ઇંગ્લૅન્ડના બે ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્ર અન્ડર-19માં એકસાથે ડેબ્યૂ કરશે
લંડન: ઇંગ્લૅન્ડના બે ક્રિકેટર માઇકલ વૉન અને ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફે પંદર વર્ષ પહેલાં ટેસ્ટ કરીઅર પૂરી કરી હતી અને હવે તેમના જ પુત્રો અન્ડર-19 ક્રિકેટમાં એકસાથે ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે એવી સંભાવના છે.
18 વર્ષનો આર્ચી વૉન (Archie Vaughan) ટૉપ-ઑર્ડર બૅટર અને ઑફ-સ્પિનર છે. 16 વર્ષનો રૉકી ફ્લિન્ટૉફ (Rocky Flintoff) રાઇટ-હૅન્ડ બૅટર અને પેસ બોલર છે.
આવતા અઠવાડિયે ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમની શ્રીલંકા અન્ડર-19 સામે ટેસ્ટ રમાવાની છે જે માટે જાહેર કરાયેલી 14 ખેલાડીની ટીમમાં આર્ચી વૉન અને રૉકી ફ્લિન્ટૉફ, બન્નેનો સમાવેશ છે.
હમઝા શેખ આ ટીમનો કૅપ્ટન છે. આર્ચી વૉન સમરસેટ કાઉન્ટી ટીમ સાથે અને રૉકી ફ્લિન્ટૉફ લૅન્કેશર કાઉન્ટી ટીમ સાથે સંકળાયેલો છે.
ઇંગ્લૅન્ડની આ અન્ડર-19 ટીમમાંના અમુક ખેલાડી શ્રીલંકા સામે વન-ડે રમી ચૂક્યા છે. એમાં કેશ ફૉનેસ્કા, નોઆ થેઇન તથા ફ્રેડી મૅકેનનો સમાવેશ છે.
ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમના કૅપ્ટન હમઝા શેખ હેઠળ એક સમયે કાઉન્ટી મૅચમાં ક્રિસ વૉક્સ પણ રમ્યો હતો.