રાજસ્થાન શ્રેણીબદ્ધ ખેલાડીઓની સિલસિલાબંધ નિષ્ફ્ળતાઓથી ચિંતિત
Guwahatitsa: Rajasthan Royals (20 ઓવરમાં 144/9)નો બુધવારે અહીં Punjab Kings (18.5 ઓવરમાં 145/5) સામે સાત બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટના માર્જિનથી પરાજય થયો ત્યાર બાદ રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન ઘેરી ચિંતામાં હતો, કારણકે તેની એક સમયની નંબર-વન ટીમની આ સતત ચોથી હાર હોવાથી હવે ટોપ-ટૂમાં ટકી રહેવું એના માટે મુશ્કેલ છે. સેમસને ઇનામ વિતરણ સમારંભમાં કહ્યું, “અમે આ ચોથા પરાજય, ચોથી નિષ્ફ્ળતા બદલ ચિંતિત છીએ.
ટીમ તરીકે રમવામાં ક્યાં કચાશ રહી જાય છે એ અમારે શોધી કાઢવું જ પડશે. અમારામાંથી કોઈકે તો આગળ આવીને મૅચ-વિનર બનવાની જવાબદારી ઉપાડવી જ પડશે.”
સેમસને એવું પણ કહ્યું હતું કે “અમે વધુ 20-25 રન બનાવી જ શક્યા હોત. એવું ન કરી શક્યા એટલે જ હારી ગયા. પોતે સ્વેચ્છાએ મેચ જિતાડી શકે છે એવી જવાબદારી સ્વીકારીને એ પૂરી કરનારા કાબેલ ખેલાડીઓ અમારી ટીમમાં છે જ. આ ટીમ-સ્પોર્ટ છે, પરંતુ વ્યક્તિગત પર્ફોર્મન્સથી ટીમને જિતાડવા માટે કોઈકે આગળ આવવું જ પડશે.”
રાજસ્થાનના ઘણા ખેલાડીઓ સારું રમવામાં સતત નિષ્ફળ જઈ રહ્યા છે. છેલ્લા લાગલગાટ ચાર પરાજય છતાં આ ટીમ ટોપ-ટૂમાં જળવાઈ રહી એ મોટી નવાઈ છે.
છેલ્લી પાંચ કે દસ મેચના એના નિષ્ફળ ખેલાડીઓની વિગત આ પ્રમાણે છે: યશસ્વી જયસ્વાલ (છેલ્લી પાંચ મૅચમાં એક હાફ સેન્ચુરી, પરંતુ ચાર મૅચમાં પચીસ રન પણ પાર નથી થયા), ધ્રુવ જુરેલ (છેલ્લી પાંચ મૅચમાં એક હાફ સેન્ચુરી, પરંતુ ચાર મૅચમાં કુલ માત્ર 31 રન), રોવમેન પૉવેલ (છેલ્લી પાંચ મૅચમાં એકેય હાફ સેન્ચુરી નહીં), ડોનોવાન ફરેરા (છેલ્લી બે મેચમાં માત્ર આઠ રન), ટ્રેન્ટ બોલ્ટ (છેલ્લી પાંચ મેચમાં ફક્ત ત્રણ વિકેટ), સંદીપ શર્મા (છેલ્લી પાંચ મૅચમાં માત્ર ચાર વિકેટ), આર. અશ્વિન (છેલ્લી દસમાંથી સાત મેચમાં એકેય વિકેટ નહીં) અને યુઝવેન્દ્ર ચહલ (છેલ્લી પાંચ મેચમાં માત્ર ચાર વિકેટ).
બુધવારે પંજાબને 145 રનનો ટાર્ગેટ કેપ્ટન સૅમ કરૅને (63 અણનમ, 41 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અપાવ્યો હતો. રાજસ્થાનના આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ તેમ જ ટ્રેન્ટ બૉલ્ટે એક વિકેટ લીધી હતી. સંદીપ શર્મા અને અશ્વિનને વિકેટ નહોતી મળી.
પંજાબની ટીમ સતત ચોથી વખત હરીફના મેદાન પર જીતવામાં સફળ રહી છે. સૅમ કરેનને મેન ઓફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
એ પહેલાં, રાજસ્થાને બૅટિંગ લીધા પછી અસરહીન પર્ફોર્મ કર્યું હતું. 20 ઓવરને અંતે રાજસ્થાનની ટીમે નવ વિકેટે 144 રન બનાવ્યા હતા. રિયાન પરાગ (48 રન, 34 બૉલ, છ ફોર) સિવાય બીજો કોઈ બૅટર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. માત્ર આર. અશ્ર્વિન (28 રન, 19 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથેની તેની 50 રનની ભાગીદારી રાજસ્થાનની ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું.
પંજાબની ટીમના મુખ્ય પેસ બોલર હર્ષલ પટેલે (4-0-28-2) બન્ને વિકેટ 20મી ઓવરમાં લીધી હતી. એ સાથે, આ સીઝનમાં હર્ષલની બાવીસ વિકેટ થઈ છે અને મુંબઈના જસપ્રીત બુમરાહ (20 વિકેટ)ને તેણે ઓળંગી લેતાં પર્પલ કૅપ હવે માત્ર હર્ષલ પાસે છે. સૅમ કરેન અને રાહુલ ચાહરને પણ બે-બે વિકેટ મળી હતી.