વિરાટની બૅક-ટુ-બૅક સેન્ચુરી પછી ત્રીજી મૅચના ટિકિટ કાઉન્ટર પર સોલ્ડ આઉટનું બોર્ડ

વિશાખાપટનમ: આવતી કાલે અહીં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી સિરીઝની ત્રીજી વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) માટેની ટિકિટો રવિવાર પહેલાં ખાસ કંઈ નહોતી વેચાઈ, પરંતુ વિરાટ કોહલીએ રવિવારે રાંચીની પ્રથમ મૅચમાં અને બુધવારે રાયપુરની બીજી મૅચમાં (બૅક ટુ બૅક) સદી ફટકારી એટલે અહીં ત્રીજી મૅચ માટેની ટિકિટોની ડિમાન્ડ અચાનક વધી ગઈ.
આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમના ડૉ. વાય. એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ રમાવાની છે જેનું પરિણામ નક્કી કરશે કે કઈ ટીમ ટ્રોફી લિફ્ટ કરશે. બન્ને ટીમ 1-1ની બરાબરીમાં છે.

આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિયેસનના વાય. વેન્કટેશે મીડિયાને જણાવ્યું કે ‘ પહેલાં થોડા દિવસ અમારી બહુ જ ઓછી ટિકિટો વેચાઈ હતી, પણ વિરાટે ઉપરાઉપરી બે સદી ફટકારી એટલે ટિકિટોની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે તમામ ટિકિટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ. એક ટિકિટ બચી નથી.’

વિરાટે તેનો અસલ ટચ બતાવ્યો એટલે 1,200 રૂપિયાથી માંડીને 18,000 રૂપિયા સુધીનો ઊંચો ભાવ હોવા છતાં ટિકિટો (tickets) સોલ્ડ આઉટ થઈ ગઈ છે.

વિશાખાપટનમમાં વિરાટ (Virat)નો રેકૉર્ડ બહુ જ સારો છે. અહીં ત્રણ સેન્ચુરી ફટકારવા ઉપરાંત તે બીજી બે મોટી ઇનિંગ્સ (99 રન, 65 રન) પણ રમી ચૂક્યો હોવાથી લોકો તેને ફરી રમતો જોવા આતુર છે. બીજું, હમણાં વિરાટને લઈને ગૌતમ ગંભીર તથા ચીફ સિલેકટર અજિત આગરકર સાથે જે વિવાદ ચાલે છે એને કારણે પણ લોકો ખાસ કરીને વિરાટનો પર્ફોર્મન્સ અને તેના હાવભાવ નજરે જોવા ઉત્સુક છે.



