સ્પોર્ટસ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આટલા મતદારો ઉમેરાયા

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી આડેહવે ત્રણ-ચાર મહિના જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો કરતા પણ વધારે તૈયારી મતદારોએ કરવી જોઈએ કારણ કે તેમના આગળના પાંચ વર્ષ આ ચૂંટણીના પરિણામો પર નિર્ભર હોય છે. આ તૈયારીના ભાગરૂપે સૌથી મહત્વનું કામ એ છે કે તમે મતદાર તરીકે તમારી નોંધણી કરાવો અને મત આપવાની પાત્રતા કેળવો. ગુજરાતમાં ચૂંટણી પંચે આદરેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો છે.

રાજ્ય સરકારના માહિતી ખાતાએ આપેલી માહિતી અનુસાર ચૂંટણી પંચની સુચનાનુસાર રાજ્યભરમાં તા.27 ઑક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 જાન્યુઆરી-2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયેલા છે. આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 3,14,735 પુરૂષ, 3,74,971 લાખ સ્ત્રી તથા 54 ત્રીજી જાતિના મળી કુલ 6,89,760 મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત અવસાન પામેલા 1,53,958 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે 4,60,153 મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરી શકાશે અને સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button