તો શું રિષભ પંત ટીમ ઇન્ડિયા માટે અનલકી સાબિત થયો?

લીડ્સઃ ભારતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઢગલો (કુલ 835) રન કર્યા અને પાંચ-પાંચ વ્યક્તિગત સદી પણ ફટકારવામાં આવી એમ છતાં ભારતે મંગળવારના પાંચમા દિવસે પાંચ વિકેટના માર્જિનથી પરાજય જોવો પડ્યો એ આઘાતજનક તો કહેવાય જ, રિષભ પંત (RISHABH PANT)ની સેન્ચુરી ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ. ખાસ કરીને વિદેશી ધરતી (overseas) પર પંતે જ્યારે પણ સેન્ચુરી ફટકારી છે ત્યારે ભારતે વિજય નથી જોયો.
પંતે પ્રથમ દાવમાં 134 રન અને બીજા દાવમાં 118 રન કર્યા હતા. જોકે તેની બબ્બે સેન્ચુરી ભારતીય ટીમને કામ ન લાગી. આવું પહેલી વાર નથી બન્યું. વિદેશી ધરતી પર પંતે જ્યારે પણ સદી ફટકારી છે ત્યારે (યોગાનુયોગ) ટીમ ઇન્ડિયાએ જીત નથી માણી. આવું અગાઉ પણ બની ચૂક્યું છે, ખાસ કરીને વિદેશી ધરતી પર.
આ પણ વાંચો: બોલિંગને આક્રમક બનાવવા કુલદીપ ટીમમાં હોવો જ જોઈએઃ માંજરેકર
ભારતીય ક્રિકેટમાં પાંચમી વાર એવું બન્યું જેમાં વિદેશી ધરતી પર રિષભ પંતે સદી ફટકારી, પરંતુ ભારતીય ટીમ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી.
લીડ્સ (leeds)ની ટેસ્ટની અગાઉની વાત કરીએ તો રિષભ પંતની સેન્ચુરીવાળી ચારમાંથી ત્રણ મૅચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મૅચ ડ્રૉમાં ગઈ હતી. આના પરથી એ તો સ્પષ્ટ છે કે પંત ભારતીય ટીમને જિતાડવા પૂરી કોશિશ કરતો હોય છે, પરંતુ નબળી બોલિંગ અથવા અન્ય બૅટ્સમેનોની નિષ્ફળતાને લીધે પંતની મહેનત પાણીમાં જતી હોય છે.



