સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાની વિક્રમી સેન્ચુરી, ભારતનો વર્લ્ડ રેકૉર્ડ

સ્પિનર શ્રી ચરનીની ડેબ્યૂમાં જ ચાર વિકેટ: ઇંગ્લૅન્ડનો સૌથી ખરાબ પરાજય

નૉટિંગમઃ શનિવારે ભારતની મહિલા ટીમે ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમને સિરીઝની જે પ્રથમ ટી-20 મૅચમાં 97 રનથી પરાજિત કરી એમાં સ્મૃતિ મંધાના (112 રન, 62 બૉલ, ત્રણ સિકસર, પંદર ફોર) છવાઈ ગઈ હતી. સ્મૃતિ (SMRITI MANDHANA) મહિલા ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં સેન્ચુરી ફટકારનારી ભારતની પહેલી ખેલાડી બની છે. ટેસ્ટ ક્રિકેટમાં તે બે સેન્ચુરી અને વન-ડે ક્રિકેટમાં 11 સદી કરી ચૂકી છે.

97 રનના માર્જિનની ગણતરીએ ઇંગ્લિશ મહિલા ટીમની આ સૌથી ખરાબ હાર છે. ઇંગ્લેન્ડ (ENGLAND)ની 2019માં ઑસ્ટ્રેલિયા સામે 93 રનથી હાર થઈ હતી જે રેકૉર્ડ હવે ભારતીય ટીમે તોડી નાખ્યો છે.

શનિવારની જીતમાં બૅટિંગમાં ભારત (INDIA) વતી નવો ઈતિહાસ સર્જનાર કૅપ્ટન અને પ્લેયર ઑફ ધ મૅચ સ્મૃતિ મંધાનાનો અને બોલિંગમાં શ્રી ચરની (3.5-0-12-4)નો સર્વોત્તમ દેખાવ હતો.

20 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર ચરની (SHREE CHARANI)ની આ પહેલી જ ટી-20 મૅચ હતી. મુખ્ય કૅપ્ટન હરમનપ્રીત કૌર પ્રૅક્ટિસમાં માથામાં ઈજા થતાં આ મૅચમાં નહોતી રમી.

ઇંગ્લૅન્ડની ટીમ 211 રનના ટાર્ગેટ સામે 14.5 ઓવરમાં માત્ર 113 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. શ્રી ચરનીની ચાર વિકેટ ઉપરાંત દીપ્તિ શર્મા અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડે 211 રનના તોતિંગ લક્ષ્યાંક સામે ધબડકા સાથે શરૂઆત કરી હતી. નવ રનમાં એણે બે વિકેટ ગુમાવી હતી. જો કે પછીથી કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે (66 રન, 42 બૉલ, દસ ફોર) એક છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ સામા છેડે તેને કોઈનો સાથ નહોતો મળ્યો અને ભારતીય બોલર્સે એક પછી એક વિકેટ સસ્તામાં લીધી હતી.

એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન કર્યા હતા જેમાં કાર્યવાહક કૅપ્ટન મંધાના અને હર્લીન દેઓલ (43 રન, 23 બૉલ, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી સામેલ હતી.

સ્મૃતિનાં 112 રન ભારતીયોમાં હાઈએસ્ટ

ટી-20 ઇન્ટરનેશનલમાં સ્મૃતિ મંધાનાનાં 112 રન હવે ભારતીય મહિલા ખેલાડીઓમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. તેણે હરમનપ્રીત કૌર (2018માં ન્યૂ ઝીલૅન્ડ સામે 103 રન)નો વિક્રમ તોડ્યો છે. સ્મૃતિએ શનિવારે સિક્સર અને ફોરની મદદથી 78 રન કર્યા હતા. તેણે ત્રણ છગ્ગા અને 15 ચોક્કા કર્યા હતા. તેના આ 78 રન ભારતીય મહિલા ટી-20 ક્રિકેટમાં નવો રેકોર્ડ છે.

ટી-20માં ભારતનો વિશ્વવિક્રમ

ઇન્ડોનેશિયા અને આર્જેન્ટિના જેવા નાના ક્રિકેટ દેશોને બાજુ પર રાખીએ તો મહિલા ટી-20 ક્રિકેટના મુખ્ય દેશોમાં ભારતે વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. ઉપરાઉપરી બે ટી-20 મૅચમાં 200-પ્લસ રન કરનાર ભારત પહેલો દેશ બન્યો છે.

સ્મૃતિ-શેફાલી વચ્ચે 77 રનની ભાગીદારી

ભારતની ડબ્લ્યૂપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમનાર ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટે શનિવારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને ભારતીય ટીમે પ્રથમ બૅટિંગ મળતાં પૂરો ફાયદો લીધો હતો. ઓપનર શેફાલી વર્મા (20 રન) અને સ્મૃતિ વચ્ચે 77 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેને 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાની મહત્ત્વની વિકેટ સૉફી એકલસ્ટને લીધી હતી. અમનજોત કૌર ત્રણ રને અને દીપ્તિ શર્મા સાત રને અણનમ રહી હતી.

આ પણ વાંચો…ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે કઈ કચાશ દૂર કરવા ખૂબ પ્રૅક્ટિસ કરી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button