સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાએ કહ્યું, હું મમ્મીને ખુશ રાખવા…

મુંબઈઃ ઘણી વ્યક્તિઓ ડાયાબિટિઝની બીમારીને લીધે સાકર ખાવાનું સાવ બંધ કરી દેતા હોય છે અને કેટલાક લોકો એ રોગનો ભોગ ન બનવું પડે એ માટે પોતાના ડાયટમાં સાકરનું પ્રમાણ ખૂબ ઓછું રહે એની તકેદારી રાખતા હોય છે, પરંતુ ભારતની મહિલા વર્લ્ડ ચૅમ્પિયન ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાની વાત સાવ નોખી છે. તેણે સાકરયુક્ત ફૂડ ખાવાનું ઘણા સમયથી બંધ કરી દીધું છે અને તે કહે છે કે માત્ર મમ્મીની ખુશી માટે તે ક્યારેક સાકરથી બનેલી મીઠી વાનગી ખાઈ લે છે.

29 વર્ષની સ્મૃતિની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 2013માં શરૂ થઈ હતી અને 12 વર્ષમાં તેણે મહિલા ક્રિકેટમાં અનેક વિક્રમો રચવા ઉપરાંત તાજેતરમાં જ ભારતને વન-ડેની પહેલી ટ્રોફી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ફિટનેસ વિશે ખૂબ કાળજી લેતી સ્મૃતિએ તાજેતરમાં એક જાણીતા અંગ્રેજી અખબારને મુલાકાતમાં ડાયટ (Diet) વિશેના સવાલના જવાબમાં કહ્યું હતું કે ` મેં સાકર (sugar) ખાવાની બંધ કરી દીધી છે. એવું નથી કે મેં ભૂતકાળમાં વધુ પડતું બૅડ ફૂડ ખાઈ લીધું એને લીધે મારે આવું કરવું પડ્યું છે. બસ, સાકર ખાવાની મને ઈચ્છા જ નથી થતી.’

સ્મૃતિ (Smriti)એ આ ઇન્ટરવ્યૂમાં પોતાના ડાયટમાં સાકરનું પ્રમાણ (મીઠાઈનું પ્રમાણ) કેટલું હોય છે એ વિશે પૂછવામાં આવતાં હિન્દીમાં કહ્યું, ` અભી ઇચ્છા નહીં હોતી. અભી અગર મૈં ખાઈ તો મમ્મી કી ખુશી કે લિયે.’

સ્મૃતિએ એવું પણ કહ્યું હતું કે ` હું જ્યારે સાંગલીમાં ઘરે હોઉં અથવા કોઈ ખાસ પ્રસંગે ગઈ હોઉં ત્યારે માત્ર મારી મમ્મીની ખુશી માટે મીઠાઈ ખાઈ લઉં છું. મને મીઠું ખાવાની ઇચ્છા થઈ હોય એટલે ખાઈ લઉં એવું હવે ક્યારેય બનતું જ નથી. મમ્મી ક્યારેક નવી સ્વીટ ડિશ બનાવે તો એ જરૂર ખાઈ લઉં છું. તેમણે તાજેતરમાં જલેબી બનાવવાની રેસિપી શીખી લીધી હતી અને જલેબી બનાવી હતી ત્યારે મેં તેમની ખુશી માટે એકાદ-બે જલેબી ખાઈ લીધી હતી.’

આ પણ વાંચો…સ્મૃતિ મંધાનાનું બ્રેક-અપ, ટીનેજ ગર્લ્સ અને યુવતીઓ માટે બોધ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button