સ્પોર્ટસ

ઓપનર્સ સ્મૃતિ મંધાના અને પ્રતીકા રાવલે રાજકોટનું સ્ટેડિયમ ગજવી નાખ્યું: જાણો રનના ઢગલા અને વિક્રમોની રસપ્રદ વિગતો

રાજકોટઃ ભારતની ટોચની ઓપનર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ તેમ જ સાથી-ઓપનર પ્રતીકા રાવલે આજે અહીં આયરલૅન્ડ સામે સિરીઝની ત્રીજી વન-ડેમાં રાજકોટનું સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. તેણે માત્ર 70 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી જે ભારતીય મહિલા ખેલાડીઓમાં ફાસ્ટેસ્ટ છે. એટલું જ નહીં, તેણે અને પ્રથમ સદી ફટકારનાર પ્રતીકા રાવલે 26.4 ઓવરમાં 233 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી જે પણ એક વિક્રમ છે અને બન્નેએ મળીને ભારતને વન-ડેમાં નવો સર્વોચ્ચ ટીમ-સ્કોર (435/5) અપાવ્યો હતો. વન-ડેમાં આટલો ઊંચો તો ભારતીય પુરુષો પણ નથી નોંધાવી શક્યા. મેન્સ વન-ડેમાં 418/5 ભારતનો હાઇએસ્ટ સ્કોર છે જે વેસ્ટ ઇન્ડિઝ સામે નોંધાયો હતો.

ભારતીય મહિલા ટીમનો સ્કોર વન-ડેમાં પહેલી વાર 400 રનને પાર ગયો. આ પહેલાં, ભારતીય ટીમનો હાઇએસ્ટ સ્કોર 370/5 હતો જે ત્રણ જ દિવસ પહેલાં રાજકોટમાં આયરલૅન્ડ સામે શ્રેણીની બીજી વન-ડેમાં નોંધાયો હતો અને એ સાથે ભારતે મૅચ જીતીને 2-0થી વિજયી સરસાઈ લીધી હતી. ભારતના 435 રન મહિલા વન-ડેમાં ચોથા નંબરનો હાઇએસ્ટ સ્કોર છે. ન્યૂ ઝીલૅન્ડે આયરલૅન્ડ સામે 2018માં ચાર વિકેટે બનાવેલા 491 રન વર્લ્ડ રેકૉર્ડ છે.

https://twitter.com/i/status/1879430616099569830

આયરલૅન્ડની ટીમની સાત બોલરે બોલિંગ કરી હતી જેમાંથી છ બોલરની બોલિંગમાં પંચાવનથી વધુ રન બન્યા હતા.
સ્મૃતિ મંધાનાએ માત્ર 39 બૉલમાં 50 રન અને 70 બૉલમાં 100 રન બનાવ્યા હતા. તેના 100 રનમાં ચાર સિક્સર અને નવ ફોર સામેલ હતી. સ્મૃતિએ ભારતીય મહિલા ખેલાડીઓમાં અત્યાર સુધી હરમનપ્રીત કૌરનો 87 બૉલમાં સેન્ચુરીનો જે વિક્રમ હતો એ તોડી નાખ્યો છે.

https://twitter.com/BCCIWomen/status/1879464050381529463

આ પણ વાંચો : બુમરાહે કમિન્સને હરાવ્યો, પણ ઍનાબેલ સામે સ્મૃતિ મંધાના હારી ગઈ!

સ્મૃતિ પોતાના 135 રનના સ્કોર પર આઉટ થઈ હતી. તેણે આ 135 રન 110 મિનિટની બૅટિંગ દરમ્યાન 80 બૉલનો સામનો કરીને અને સાત સિક્સર તથા બાર ફોરની મદદથી બનાવ્યા હતા. તેણે 135 રન 168.75ના સ્ટ્રાઇક-રેટથી બનાવ્યા હતા. સ્મૃતિની સાત સિક્સર ભારતની એક મહિલા બૅટર એક વન-ડેમાં ફટકારેલી સૌથી વધુ સિક્સર્સની રેકૉર્ડ-બુકમાં સંયુક્ત રીતે મોખરે છે. હરમનપ્રીતે 2017માં ઑસ્ટ્રેલિયા સામેના અણનમ 171 રનમાં સાત છગ્ગા માર્યા હતા.

સ્મૃતિની સાથી-ઓપનર દિલ્હીની પ્રતીકા રાવલે 184 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 129 બૉલમાં એક સિક્સર અને વીસ ફોરની મદદથી 154 રન બનાવ્યા હતા. તેની આ છઠ્ઠી વન-ડે છે જેમાં તેણે પ્રથમ સદી ફટકારવામાં સફળતા મેળવી છે. તેણે બાવન બૉલમાં 50 રન, 100 બૉલમાં 100 રન અને 127 બૉલમાં 150 રન બનાવ્યા હતા. 150મા રને પહોંચ્યા પછી બીજા ચાર રન બનાવીને તે ઑફ-સ્પિનર ફ્રેયા સાર્જન્ટના બૉલમાં કૅચ આપી બેઠી હતી. પ્રતીકા ભારતીય મહિલા બૅટર્સમાં વન-ડેમાં 150-પ્લસ રન બનાવનાર ત્રીજી છે. દીપ્તિ શર્માના 188 રન અને હરમનપ્રીત કૌરના અણનમ 171 રન પહેલા બે સ્થાને છે.
તેણે સ્મૃતિ સાથે 233 રનની પ્રારંભિક ભાગીદારી કરી હતી. ભારતીય વન-ડે ક્રિકેટમાં 200-પ્લસ રનની આ ચોથી ભાગીદારી છે. તેમણે શરૂઆતની પાવર-પ્લેની ઓવર્સમાં 90 રન અને પછીની 10 ઓવરમાં બીજા 67 રન ખડકી દીધા હતા.

સ્મૃતિ-પ્રતીકા જે પહેલી છ વન-ડે ઓપનિંગ જોડીમાં રમી એમાં તેમની ભાગીદારી આ મુજબ રહી છેઃ 110 રન, 110 રન, 22 રન, 70 રન, 156 રન અને 233 રન.

પ્રતીકાએ બૅટિંગ-ક્રમમાં પ્રમોટ કરવામાં આવેલી વિકેટકીપર રિચા ઘોષ (59 રન, 42 બૉલ, એક સિક્સર, દસ ફોર) સાથે બીજી વિકેટ માટે 104 રનની પાર્ટનરશિપ કરી હતી. પ્રતીકા ત્યાં જ નહોતી અટકી ગઈ. ત્રીજી વિકેટ માટે પ્રતીકાએ તેજલ હસબનીસ (28 રન, પચીસ બૉલ, બે ફોર) સાથે 50 રનની ભાગીદારી કરી હતી.

મહિલાઓની વન-ડેમાં ભારતની બન્ને ઓપનરે સદી ફટકારી હોવાની આ ત્રીજી ઘટના છે. 1999માં મિતાલી રાજ અને રેશમા ગાંધીએ અને 2017માં દીપ્તિ શર્મા તથા પૂનમ રાઉતે સદી ફટકારી હતી.

https://twitter.com/i/status/1879441440406913210

24 વર્ષની પ્રતીકા રાવલે કરીઅરની પહેલી છ વન-ડેમાં કુલ 444 રન બનાવ્યા જે નવો વર્લ્ડ રેકૉર્ડ છે. તેણે શાર્લોટ એડવર્ડ્સનો 434 રનનો વિશ્વ વિક્રમ તોડ્યો છે.

ભારતીય ટીમે રાજકોટના આજના દાવમાં કુલ 57 બાઉન્ડરી (48 ફોર, 9 સિક્સર) ફટકારી જે મહિલાઓની વન-ડેમાં એક ટીમે એક દાવમાં ફટકારેલી ત્રીજી નંબરની બાઉન્ડરીનો વિક્રમ છે. ન્યૂ ઝીલૅન્ડ 71 અને 59 બાઉન્ડરી સાથે પહેલા બે સ્થાને છે.

આ પણ વાંચો : અશ્વિને સંન્યાસ પર કહી મોટી વાત, રોહિત-કોહલીને ખૂંચશે

ભારતીય ટીમે રાજકોટની આ મૅચમાં કુલ નવ છગ્ગા ફટકાર્યા હતા જે વન-ડેમાં ભારતનો નવો વિશ્વવિક્રમ છે. આ પહેલાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં આઠ છગ્ગા માર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button