સ્પોર્ટસ

સંગીતકાર પલાશ મુચ્છળના હાથ પર ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાના નામવાળું અનોખું ટૅટૂ

મુંબઈઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ 434 રન કરનાર સ્મૃતિ મંધાના (Mandhana)એ રવિવારે ભારતને સૌપ્રથમ વિશ્વ કપ ટ્રોફી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને એ સાથે ભારતે આ ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી જેની ખુદ મંધાનાએ સાથી ખેલાડીઓ સાથે મળીને ભરપૂર ઉજવણી તો કરી, મંધાનાનો બૉયફ્રેન્ડ પલાશ (Palash) મુચ્છળ પણ એક રીતે આ સેલિબ્રેશનનો હિસ્સો બન્યો છે.

મંધાનાના 434 રન ટૂર્નામેન્ટની તમામ બૅટર્સમાં (સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટના 571 રન પછી) બીજા નંબરે હતા. નવી મુંબઈમાં ડી. વાય. પાટીલની ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવી દીધું એને પગલે ભારતીય ક્રિકેટમાં અભૂતપૂર્વ આનંદોત્સવ શરૂ થઈ ગયો હતો. પલાશ મુચ્છળે ઇન્સ્ટાગ્રામ પર ગર્લફ્રેન્ડ મંધાનાના હસતાં ચહેરાવાળો એક ફોટો શૅર કર્યો હતો. એટલું જ નહીં, પલાશ વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં ઊંચકીને અને મંધાના તરફ બતાવીને તેની સાથે આ ઉજવણીમાં સહભાગી પણ થયો હતો.

આ પણ વાંચો : તમે કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કથી જીત્યા…ખૂબ ખૂબ અભિનંદનઃ વડા પ્રધાન મોદી

પલાશ મુચ્છળે શૅર કરેલી એ તસવીરની કૅપ્શનમાં લખ્યું છે, ` સબસે આગે હૈં હમ હિન્દુસ્તાની.’ એ રીતે પલાશે ગર્લફ્રેન્ડની સિદ્ધિનો તેમ જ દેશને મળેલા અનેરા ગૌરવનો સંકેત આપ્યો છે. વર્લ્ડ કપમાં લીગ સ્તરે રમાયેલી ઉપરાઉપરી ત્રણ મહત્ત્વની મૅચમાં મંધાનાએ ઑસ્ટ્રેલિયા સામે 80 રન, ઇંગ્લૅન્ડ સામે 88 રન અને ન્યૂ ઝીલૅન્ડ સામે 109 રન કર્યા હતા.

પલાશ મુચ્છળ જાણીતો મ્યૂઝિશ્યન છે. તેણે શૅર કરેલી તસવીરમાં તેના જે હાથમાં ટ્રોફી હતી એ હાથ પરનું ટૅટૂ પણ ઊડીને આંખે વળગે એવું છે. એ ટૅટૂમાં તેણે ` એસએમ18′ ચિતરાવ્યું છે. એ ટૅટૂમાં સ્મૃતિ મંધાનાના અંગ્રેજી નામને શૉર્ટ ફૉર્મમાં તેનાં જર્સીના નંબર સાથે બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વર્લ્ડ ચૅમ્પિયનોએ વહાલસોયી ટ્રોફી સાથે આપ્યો અનોખો પોઝ

મંધાના અને પલાશ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે અને મંધાનાને કરીઅરમાં સંઘર્ષના સમયે પલાશનો બહુ સારો સપોર્ટ મળ્યો હતો. એવું મનાય છે કે આ મહિને મંધાના પોતાના વતન સાંગલીમાં પલાશ સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button