સ્પોર્ટસ

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન કેમ અચાનક મોકૂફ રાખવામાં આવ્યા?

મુંબઈઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના અને મ્યૂઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના રવિવારના લગ્ન (Wedding) અચાનક મુલતવી રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક બગડી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો એ વાતને સ્મૃતિના બિઝનેસ મૅનેજર તુહિન મિશ્રાએ સમર્થન આપ્યું હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

આપણ વાચો: સ્મૃતિ અને પલાશ પ્રી-વેડિંગ ડાન્સ સાથે ઇન્ટરનેટ પર છવાઈ ગયા

કેટલાક અહેવાલો મુજબ દીકરી સ્મૃતિના લગ્નની મોટા ભાગની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી ત્યાં તેના પિતા શ્રીનિવાસને હાર્ટ-અટૅક આવ્યો હતો. આ લગ્નની તૈયારીઓ સાંગલી (Sangli)માં મંધાના ફાર્મ હાઉસમાં કરવામાં આવી હતી.

શ્રીનિવાસ મંધાનાને હૃદયરોગના હુમલાનો શિકાર થતાં જ તાબડતોબ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્મૃતિ તેમ જ પરિવારના તમામ સભ્યો પણ હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

વેડિંગ મૅનેજમેન્ટે મીડિયાને સત્તાવાર રીતે જણાવ્યું હતું કે લગ્નને લગતી વિધિ મોકૂફ રાખવામાં આવી છે અને લગ્ન ફરી ક્યારે યોજાશે એ હવે પછી જાહેર કરવામાં આવશે. લગ્નના સ્થળેથી ડેકૉરેશનની ચીજો અને અન્ય વસ્તુઓ હટાવવામાં આવી રહી છે.

આપણ વાચો: સ્મૃતિને પલાશ મુચ્છલે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં મેદાનની વચ્ચોવચ્ચ પ્રપોઝ કર્યું

સ્મૃતિના મૅનેજરે કહ્યું, ` શ્રીનિવાસ મંધાના રવિવારે સવારે બે્રકફાસ્ટ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. અમને બધાને થયું કે થોડી વારમાં તેઓ નૉર્મલ થઈ જશે, પણ તેમની તબિયત વધુને વધુ કથળતી ગઈ હતી એટલે અમે વધુ રાહ ન જોવાનું નક્કી કરીને ઍમ્બ્યૂલન્સ બોલાવી હતી અને શ્રીનિવાસજીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

હવે તેઓ ડૉક્ટર અને તેમની ટીમની સંપૂર્ણ દેખરેખ હેઠળ છે. બધા જાણે છે કે સ્મૃતિ તેના પિતાની લાડકી છે અને પિતા પ્રત્યે પણ તેને ખૂબ સ્નેહ છે એટલે સ્મૃતિએ નક્કી કર્યું છે કે હવે તેના પિતાની તબિયત પૂરેપૂરી સારી થશે ત્યાર પછી જ લગ્નની નવી તારીખ નક્કી કરાશે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button