સ્મૃતિને પલાશ મુચ્છલે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં મેદાનની વચ્ચોવચ્ચ પ્રપોઝ કર્યું

નવી મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને ભરોસાપાત્ર ઓપનર સ્મૃતિ મંધાનાએ બીજી નવેમ્બરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ (DY Patil) સ્ટેડિયમમાં ભારતને સૌપ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી અપાવ્યા પછી સાથી ખેલાડીઓ જોડે જે યાદગાર ક્ષણો માણી હતી ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે થોડા દિવસ બાદ આ જ શુકનવંતા સ્થળે ફિયૉન્સે પલાશ મુચ્છલ તેને પ્રપોઝ (propose) કરશે. પલાશે પોસ્ટ કરેલા વીડિયો મુજબ તેણે આ મેદાનની વચ્ચે સ્મૃતિને પ્રપોઝ કર્યું હતું અને સ્મૃતિએ તરત જ તેને `યસ’ કહી દીધું હતું.
આ પણ વાંચો : સ્મૃતિ મંધાનાનાં લગ્ન નજીક આવી ગયાંઃ જેમિમા અને બીજી ખેલાડીઓ સાથે પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ખૂબ ડાન્સ કર્યો
રવિવાર, 23મી નવેમ્બરે સાંગલીમાં બન્નેનાં લગ્ન છે એવા અહેવાલ વચ્ચે પલાશે સ્મૃતિને જે રીતે પ્રપોઝ કર્યું એ શ્રેણીબદ્ધ ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. સ્મૃતિએ શુક્રવાર પહેલાં જ મીડિયામાં પોતાની એન્ગેજમેન્ટ રિંગ બતાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પછીથી તેણે વિશ્વ વિજેતા સાથી ખેલાડીઓ જોડે બૉલીવૂડના ગીતોની ધૂન પર ડાન્સ પણ કર્યો હતો.

ખુદ પલાશ મુચ્છલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા પ્રપોઝવાળા વીડિયોમાં જોવા મળે છે કે સ્મૃતિની આંખો પર અગાઉથી જ પટ્ટો બાંધવામાં આવ્યો હતો અને પલાશ હાથ પકડીને તેને મેદાન પર વચ્ચે લઈ આવ્યો હતો. બન્ને જણ ખૂબ આનંદિત હતા જેમાં સ્મૃતિ આંખ પરથી પટ્ટો ખુલવાની રાહ જોઈ રહી હતી. પલાશ તેને શું સરપ્રાઇઝ આપી રહ્યો છે એ જાણવા પણ તે ખૂબ આતુર હતી. પલાશે તેની આંખો પરનો પટ્ટો હટાવતાં જ સ્મૃતિના આશ્ચર્યનો પાર નહોતો. ત્યાર બાદ પલાશે ઘૂંટણિયે બેસીને તેને રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું.
આ પણ વાંચો : સંગીતકાર પલાશ મુચ્છળના હાથ પર ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાના નામવાળું અનોખું ટૅટૂ
ત્યાર બાદ બન્નેનાં મિત્રો પણ મેદાન પર દોડી આવ્યા હતા. બહુ ઓછી પ્રેમિકાઓને પ્રેમી પાસેથી મળી હશે એવી સરપ્રાઇઝ સ્મૃતિને પલાશ પાસેથી મળી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલને સોશ્યલ મીડિયા મારફત શુભેચ્છાઓ પાઠવી છે.



