સ્મૃતિ મંધાના સાઉથ આફ્રિકાને ભારે પડી શકે, હરમન મોટા વિક્રમની નજીક

વિશાખાપટનમઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ગુરુવાર, નવમી ઑક્ટોબરે (બપોરે 3.00 વાગ્યાથી) અહીં ભારત (India) અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચમાં રસાકસી થવાની પાકી સંભાવના છે, કારણકે લૉરા વૉલ્વાર્ટની ટીમ સામે ભારતની ઘણી મૅચ-વિનર્સની આકરી કસોટી થશે.
ભારત પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા નંબરે છે, જ્યારે સાઉથ આફ્રિકા પાંચમા સ્થાને છે. વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે કઈ ટીમો ફેવરિટ છે એ હજી નક્કી કરવું ઘણું વહેલું છે એવામાં ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌર તથા વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Mandhana) સાઉથ આફ્રિકાને ભારે પડી શકે. કારણ એ છે કે સાઉથ આફ્રિકા સામે મંધાના 18 મૅચમાં ત્રણ સદીની મદદથી કુલ 906 રન કરી ચૂકી છે. બીજી બાજુ, હરમનપ્રીતે આ હરીફ ટીમ સામે 802 રન કર્યા છે.
હરમન બીજા 84 રન કરશે એટલે વન-ડે વર્લ્ડ કપમાં 1,000 રન પૂરા કરનાર મિતાલી રાજ પછીની બીજી ભારતીય ખેલાડી તથા વિશ્વની ત્રીજી પ્લેયર બનશે.
જોકે શ્રીલંકા અને પાકિસ્તાન સામે ભારતના ટૉપ-ઑર્ડરે સારું પર્ફોર્મ નહોતું કર્યું અને વિમેન ઇન બ્લુએ હર્લીન દેઓલ, અમનજોત કૌર, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા પર મદાર રાખવો પડ્યો હતો.
આપણ વાંચો : ભારત-વેસ્ટ ઇન્ડિઝની બીજી ટેસ્ટની પિચ કેવી હશે? સ્પિનરને આ દિવસથી ટર્ન મળશે…