10,000 આંતરરાષ્ટ્રીય રનઃ સ્મૃતિ મંધાના વિશ્વભરની બૅટર્સમાં ફાસ્ટેસ્ટ…

તિરુવનંતપુરમઃ મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સ્મૃતિ મંધાના 10,000 રન પૂરા કરનારી વિશ્વની ચોથી બૅટર બની છે અને વધુ આનંદની વાત તો એ છે કે ઇનિંગ્સની દૃષ્ટિએ ચારેય બૅટર્સમાં સ્મૃતિ ફાસ્ટેસ્ટ છે.
સ્મૃતિ (Smriti) 10,000 ઇન્ટરનૅશનલ રન પૂરા કરનારી ભારતની બીજી પ્લેયર બની છે. તેની પહેલાં મિતાલી રાજે આ સિદ્ધિ મેળવી હતી. અન્ય બે બૅટરમાં ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સ (Suzie Bates) અને ઇંગ્લૅન્ડની શાર્લોટ એડવર્ડ્સનો સમાવેશ છે.
મિતાલી રાજ નિવૃત્ત થઈ ચૂકી છે. રવિવાર સુધી આ લિસ્ટમાં તે ફાસ્ટેસ્ટ હતી. તેણે કુલ 291 ઇનિંગ્સમાં 10,868 રન કર્યા હતા અને તેના એ રન વિશ્વભરની તમામ મહિલા બૅટર્સમાં સૌથી વધુ છે.

29 વર્ષની સ્મૃતિ મંધાનાએ ટેસ્ટ ફૉર્મેટમાં 629 રન, વન-ડેમાં 5,322 રન અને ટી-20માં 4,102 રન કર્યા છે. ગયા મહિને તે વન-ડેમાં એક કૅલેન્ડર યરમાં 1,000 રન પૂરા કરનારી વિશ્વની પહેલી જ મહિલા ખેલાડી બની હતી. 2025ના વર્ષમાં તેણે 1,362 રન કર્યા છે તમામ મહિલા બૅટર્સમાં હાઇએસ્ટ છે. તે મહિલા ટી-20 ઇન્ટરનૅશનલમાં કુલ 4,000 રન પૂરા કરનારી (સુઝી બેટ્સ) પછીની વિશ્વની બીજી જ ખેલાડી છે.
કોના 10,000 આંતરરાષ્ટ્રીય રન સૌથી ઓછી ઇનિંગ્સમાં
| ક્રમ | નામ | દેશ | ઇનિંગ્સ | રન |
| 1 | સ્મૃતિ મંધાના | ભારત | 281 | 10,053 |
| 2 | મિતાલી રાજ | ભારત | 291 | 10,868 |
| 3 | શાર્લોટ એડવર્ડ્સ | ઇંગ્લૅન્ડ | 308 | 10,273 |
| 4 | સુઝી બેટ્સ | ન્યૂ ઝીલૅન્ડ | 314 | 10,652 |



