સ્મૃતિ મંધાનાનું બ્રેક-અપ, ટીનેજ ગર્લ્સ અને યુવતીઓ માટે બોધ

અજય મોતીવાલા
મુંબઈ: ભારતની વર્લ્ડ ચેમ્પિયન વાઇસ-કેપ્ટન અને મહિલા ક્રિકેટની ટોચની ઓપનિંગ બૅટર્સમાં ગણાતી સ્મૃતિ મંધાના માટે 2019નું વર્ષ ક્રિકેટ-કરીઅરમાં તેમ જ અંગત જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બની ગયું હતું, પરંતુ 2025ના વર્ષમાં તેણે ક્રિકેટમાં અપ્રતિમ સફળતા મેળવવાની સાથે પ્રાઇવેટ લાઈફમાં અગાઉ ક્યારેય ન જોઈ હોય એવી ગમગીની જોવી પડી છે. સ્મૃતિની ક્રિકેટ કારકિર્દી તેના અસંખ્ય યંગ ફેન્સ માટે પ્રેરક છે જ, તેની જિંદગીમાં હાલમાં જે કંઈ બની ગયું એના પરથી યુવા વર્ગે (ખાસ કરીને ટીનેજ ગર્લ્સ અને યુવતીઓએ) પાઠ શીખવા જેવો છે.
સ્મૃતિની કરીઅર તો 2013માં શરૂ થઈ હતી, પણ તેણે 2019નું વર્ષ ધમાકેદાર સેન્ચુરી સાથે શરૂ કર્યું હતું. નૅપિયરમાં તેણે એ વર્ષની 24મી જાન્યુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડેમાં 120 બૉલમાં ત્રણ સિક્સર અને નવ ફોરની મદદથી મૅચ-વિનિંગ 105 રન કર્યા હતા. સ્મૃતિએ ત્યારે પાંચ જ દિવસ પછી બીજી વન-ડેમાં અણનમ 90 રન કરીને ભારતને મૅચનો તેમ જ સિરીઝનો વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો : આખરે સ્મૃતિ મંધાનાએ કરી ચોંકાવનારી જાહેરાત, લગ્ન નહીં કરે, કારણ પણ જાણી લો…
2019ના જ વર્ષમાં સ્મૃતિના અંગત જીવનમાં મોટો ફેરફાર થયો હતો. એ વર્ષ દરમ્યાન તે એક કૉમન ફ્રેન્ડ મારફત મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના સંપર્કમાં આવી હતી અને ધીમે ધીમે બંનેની ફ્રેન્ડશિપ રિલેશનશિપમાં ફેરવાઈ ગઈ હતી.
2019થી 2024 સુધી સ્મૃતિ અને પલાશે પોતાની રિલેશનશિપને સીક્રેટ રાખી હતી અને 2024માં એની જાહેરાત કરી હતી. આ સમયગાળા દરમ્યાન સ્મૃતિની કરીઅર વધુ ખીલી હતી અને પલાશ સાથે તેની દોસ્તી પણ વધુ મજબૂત થઈ હતી.

આ પણ વાંચો : લગ્ન મોકૂફ રહ્યા પછીની સ્મૃતિ મંધાનાની પ્રથમ પોસ્ટઃ આંગળીમાં એન્ગેજમેન્ટ રિંગ…
આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં અને શ્રીલંકામાં સંયુક્ત રીતે આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં સ્મૃતિએ ભારતીયોમાં હાઈએસ્ટ 434 રનની મદદથી ભારતને સૌપ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી અપાવી અને સાથી ખેલાડીઓ જોડે જીતનું અભૂતપૂર્વ સેલિબ્રેશન માણ્યું હતું જેમાં તેનો બૉયફ્રેન્ડ પલાશ પણ જોડાયો હતો. સ્મૃતિ માટે આ જશનને જાણે એક્સ્ટેન્શન મળ્યું એમ વર્લ્ડ કપના વિજય બાદ ગણતરીના જ દિવસોમાં સ્મૃતિ અને પલાશના લગ્નની તારીખ નક્કી થઈ હતી, પલાશે (Palash) સ્મૃતિને વર્લ્ડ કપની ફાઇનલવાળા જ ડી. વાય. પાટીલ ગ્રાઉન્ડ પર પ્રપોઝ કર્યું અને રિંગ પહેરાવી હતી. ત્યાર પછીના દિવસોમાં હલ્દી, સંગીત અને મહેંદી જેવી રસમો પણ થઈ હતી, પરંતુ રવિવાર, 23મી નવેમ્બરના તેમના લગ્ન (Wedding) ઓચિંતા મોફૂફ રાખવામાં આવ્યા હતા.
સ્મૃતિ-પલાશના વેડિંગ રદ થવા પાછળના કારણોનું રહસ્ય હજી પણ સૌથી મોટો કોયડો છે, પણ આ પ્રકરણ પરથી યુવા વર્ગ માટે અને ખાસ કરીને ટીનેજ છોકરીઓ તથા યુવતીઓ માટે શીખવા જેવું એ છે કે મહા મહેનતે ભણતર પૂરું કર્યું હોય, કારકિર્દી ડેવલપ કરી હોય અને ખૂબ પૈસા કમાઈ લેવાની સાથે ઘણી પ્રસિદ્ધિ પણ મેળવી હોય ત્યારે અતિ ઉત્સાહિત થઈને ખોટા નિર્ણયો ન લેવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો પછીની કરીઅર પર અને જીવન પર એની વિપરીત અસર પડે.

આ પણ વાંચો : લગ્ન મુલતવી રાખ્યા બાદ સ્મૃતિ મંધાના નહીં આ કોને મળવા પહોંચ્યો પલાશ મુચ્છલ? વીડિયો થયો વાઈરલ…
સ્મૃતિ યુવા વર્ગ માટે રોલ મૉડેલ છે એટલે તેણે સમયસૂચકતાથી લગ્ન રદ કરવાનો જે નિર્ણય લીધો એ પણ તેના ફોલોઅર્સ માટે એક રીતે બોધ છે. યાદ રહે, હાલમાં બ્રેક અપનો ટ્રેન્ડ ચાલે છે એટલે પાત્રની પસંદગી કરવામાં ખૂબ કાળજી રાખવી જોઈએ.
જીવનસાથી તરીકેની (પ્રેમીની કે અરેન્જડ મૅરેજ માટેના પાત્રની) પસંદગી કરવામાં ખૂબ સંભાળ રાખવી જરૂરી છે. પાત્રનું બૅકગ્રાઉન્ડ અને તેના વર્તનને સતત ધ્યાન રાખવું આવશ્યક છે.

આ પણ વાંચો : સ્મૃતિ-પલાશના પ્રકરણમાં વધુ એક મિસ્ટ્રી ગર્લ નંદિકાની એન્ટ્રી, યુગલે ` બૂરી નઝર’વાળું ઇમોજી કેમ રાખ્યું
સ્મૃતિ-પલાશની હાઈ પ્રોફાઈલ જોડીના લગ્ન રદ કરવામાં આવ્યા એ પાછળ જરૂર કોઈ ગંભીર કારણ હોઈ શકે. જોકે એ બધામાં આપણે નથી પડવા માગતા. જે કારણો ચર્ચામાં હતા એ જોતાં કહી શકાય કે સ્મૃતિ છેલ્લી ઘડીએ અંગત જીવનના વધુ સંઘર્ષથી બચી ગઈ.
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની લવ લાઈફ અને મૅરિડ લાઈફ યાદ છેને? પાકિસ્તાનના સાવ સાધારણ ક્રિકેટર શોએબ મલિક સાથેના નિકાહથી ભારતમાં સાનિયા પર કરોડો ચાહકો નારાજ થયા હતા અને છેવટે ધાર્યું જ પરિણામ આવ્યું. પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના અફેરને કારણે સાનિયાએ શોએબ સાથે તલાક લીધા છે.
આ પણ વાંચો : લગ્ન મોકૂફ રાખ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ભર્યું ચોંકાવનારું પગલુંઃ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી લગ્નની પોસ્ટ…
સ્મૃતિ (Smriti)ની ખાસ મિત્ર અને ભારતની ટોચની મહિલા બૅટર્સમાં ગણાતી મુંબઈની જ જેમિમા રોડ્રિગ્સે સ્મૃતિને 2019ની સાલથી મેદાન પર ઘણી મૅચોમાં સપોર્ટ આપીને ભારતને વિજય અપાવ્યો છે એમ તે હાલમાં પણ (ઓસ્ટ્રેલિયાની બિગ બેશમાં રમવા જવાનું ટાળીને) સ્મૃતિની પડખે જ રહી છે.
આશા રાખીએ, આપણી ટોચની બૅટર, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી અને 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ-વિમેનની ટીમને ડબલ્યૂપીએલની ટ્રોફી અપાવનાર સ્મૃતિ મંધાના બહુ જલ્દી હાલની હતાશામાંથી બહાર આવી જશે.



