મંધાનાએ વિદેશમાં વન-ડે મૅચોમાં મેળવી આ સિદ્ધિ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મંધાનાએ વિદેશમાં વન-ડે મૅચોમાં મેળવી આ સિદ્ધિ

લંડનઃ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) શનિવારે અહીં લૉર્ડ્સ (Lord’s)માં ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં 51 બૉલમાં 42 રન કરી શકી હતી અને વન-ડે ક્રિકેટમાં 32મી હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી, પરંતુ આ ઇનિંગ્સમાં તેણે એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે વિદેશી ધરતી પર વન-ડે મૅચોમાં કુલ 2,000 રન (2,000 runs) પૂરા કર્યા હતા.

મંધાનાએ વિદેશમાં રમેલી વન-ડે મૅચોમાં 52.17ની સરેરાશે 2,035 રન કર્યા છે. ઘરઆંગણે તેણે 43.51ની ઍવરેજે વન-ડે મૅચોમાં 1,958 રન કર્યા છે.

શનિવારે બીજી વન-ડેમાં વરસાદને લીધે મૅચ 29-29 ઓવરની કરવામાં આવી હતી અને પ્રથમ બૅટિંગ મળ્યા પછી ભારતે 29 ઓવરમાં આઠ વિકેટે 143 રન કર્યા હતા.

મંધાનાના 42 રનને બાદ કરતા 16મી જુલાઈની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ અણનમ 62 રન કરનાર દીપ્તિ શર્માએ શનિવારે પંચાવન મિનિટ સુધી ક્રીઝમાં રહીને 34 બૉલમાં અણનમ 30 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડ વતી સોફિયા એકલ્સ્ટને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેણે હર્લીન દેઓલ (16), કૅપ્ટન હરમનપ્રીત કૌર (7) અને વિકેટકીપર રિચા ઘોષ (2)ની વિકેટ લીધી હતી.

ફરી સ્મૃતિ મંધાનાની વાત પર આવીએ તો આ ઓપનિંગ બૅટરે શુક્રવારે 29મો જન્મદિન ઉજવ્યો હતો. તેણે લૉર્ડસની શનિવારની મૅચ પહેલાં 103 વન-ડેમાં કુલ 4,501 રન કર્યા હતા જેમાં 11 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી સામેલ છે.

https://twitter.com/Cricketracker/status/1946444225132019779

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button