યશસ્વી, રહાણે, શાર્દુલ, સરફરાઝવાળી મુંબઈની ટીમ પર સિરાજ ભારે પડ્યો…

ઍમ્બી (મહારાષ્ટ્ર): સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) ટી-20 ટૂર્નામેન્ટમાં શુક્રવારે ભારતીય સ્ટાર ખેલાડીઓથી બનેલી મુંબઈ અને આંધ્રની ટીમ સુપર લીગ રાઉન્ડમાં અનુક્રમે હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ સામે પરાજિત થઈ હતી જેમાં ખાસ કરીને મુંબઈ સામે મોહમ્મદ સિરાજ (Siraj)નો પર્ફોર્મન્સ ઊડીને આંખે વળગે એવો હતો. બીજી તરફ, નીતીશ કુમાર રેડ્ડીની હૅટ-ટ્રિક પાણીમાં ગઈ હતી.
મુંબઈની ટીમમાં યશસ્વી જયસ્વાલ (29 રન), સરફરાઝ ખાન (પાંચ રન), અજિંક્ય રહાણે (નવ રન) અને શાર્દુલ ઠાકુર (0) જેવા સ્ટાર ખેલાડીઓ હતા, પરંતુ આ ટીમ 18.5 ઓવરમાં ફક્ત 131 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદના સિરાજે શાર્દુલ ઉપરાંત સૂર્યાંશ શેડગે અને તનુશ કોટિયનની વિકેટ લીધી હતી. હૈદરાબાદની ટીમે તન્મય અગરવાલ (75 રન) અને અમન રાવ (બાવન અણનમ)ની જોડીની 127 રનની ભાગીદારીની મદદથી 11.5 ઓવરમાં 1/132ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
અન્ય સુપર લીગ મૅચોમાં શું બન્યું?
(1) ઍમ્બીમાં આંધ્રની ટીમ 112 રનમાં આઉટ થઈ ગયા બાદ મધ્ય પ્રદેશની ટીમે આંધ્રના પેસ બોલર નીતીશ કુમાર રેડ્ડીની હૅટ-ટ્રિક (3-0-17-3) છતાં વિજય 17.3 ઓવરમાં 6/113ના સ્કોર સાથે મેળવ્યો હતો જેમાં રિષભ ચૌહાણના 47 રન, વેન્કટેશ ઐયરના બાવીસ રન તથા રાહુલ બાથમના અણનમ 35 રન સામેલ હતા.
(2) પુણેમાં રાજસ્થાન (8/132) સામે હરિયાણા (16.2 ઓવરમાં 3/133)નો સાત વિકેટે વિજય થયો હતો.
(3) ઍમ્બીમાં સલીલ અરોરા (125 અણનમ, 45 બૉલ, અગિયાર સિક્સર, નવ ફોર)ની સેન્ચુરી સહિત પંજાબે છ વિકેટે 235 રન કર્યા પછી ઝારખંડે 18.1 ઓવરમાં ચાર વિકેટે 237 રનના સ્કોર સાથે છ વિકેટે વિજય મેળવ્યો હતો.



