ટોપ ન્યૂઝસ્પોર્ટસ

શ્રીલંકાની મહિલાઓ રેકોર્ડ સાથે પહેલી વાર એશિયા કપ જીતી, હવે ટાર્ગેટ વર્લ્ડ કપ

હરમનપ્રીતની ટીમને ફાઈનલમાં આઠ વિકેટથી આપ્યો આંચકો

દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમ ફાઇનલ હારી ગઈ હોય એવું રવિવારે બીજી વાર બન્યું હતું. પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત (20 ઓવરમાં 165/6)ને શ્રીલંકા (18.4 ઓવરમાં 167/2)એ નિર્ણાયક મુકાબલામાં આઠ વિકેટે હરાવીને પહેલી જ વખત એશિયા કપનું ટાઇટલ જીતી લીધું હતું. શ્રીલંકાની ટીમે રેકોર્ડ સાથે ટ્રોફી મેળવી હતી.

મહિલાઓની જે પણ ટી-20 ફાઈનલમાં જે પણ ટીમે ટાર્ગેટ સફળતાથી ચેઝ કર્યા હોય એમાં શ્રીલંકાના આ 167 રન હાઈએસ્ટ છે. તેમણે વેસ્ટ ઇન્ડિઝ (2016 ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ,ઓસ્ટ્રેલિયા સામે 149 રન)નો રેકોર્ડ તોડ્યો છે. હવે શ્રીલંકાનો ઓક્ટોબરનો ટી-20 વિશ્વ કપ જીતવાનો લક્ષ્યાંક છે.

આ પહેલાં ભારત 2018માં બંગલાદેશ સામે ફાઇનલમાં હારી ગયું હતું. એ સિવાય (2022 સહિત) બાકીના સાતેય એશિયા કપ (ટી-20 તથા વન-ડે, બન્ને ફૉર્મેટ)માં ભારત ચૅમ્પિયન બન્યું હતું.

રવિવારે ભારતે 20 ઓવરમાં છ વિકેટે 165 રન બનાવ્યા બાદ શ્રીલંકાએ હાઉસફુલ સ્ટેડિયમના મેદાન પર 18.4 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે 167 રન બનાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

કૅપ્ટન ચમારી અથાપથ્થુ (61 રન, 43 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને વનડાઉન બૅટર હર્શિતા સમરવિક્રમા (69 અણનમ, 51 બૉલ, બે સિક્સર, છ ફોર) તેમ જ ઑલરાઉન્ડર કવિશા દિલહારી (30 અણનમ, 16 બૉલ, બે સિક્સર, એક ફોર)ની લડાયક અને સમજદારીભરી બૅટિંગને કારણે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે પરાજય જોવો પડ્યો હતો.

અથાપથ્થુ અને હર્શિતા વચ્ચે બીજી વિકેટ માટે 87 રનની અને હર્શિતા-કવિશા વચ્ચે 73 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ભારતીય બોલર્સની થોડી નબળી બોલિંગ અને ફીલ્ડિંગમાં પણ કચાશ હતી જેને લીધે ભારતે આખી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહ્યા બાદ છેલ્લે ફાઇનલમાં હાર જોવી પડી. મૅચની છેલ્લી પળોમાં ભારતીય ફીલ્ડરે કૅચ છોડ્યો હતો.

ભારતની પાંચ બોલરમાં એકમાત્ર દીપ્તિ શર્માને એક વિકેટ મળી હતી. રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, તનુજા કંવર અને રાધા યાદવ ખરા સમયે જ વિકેટ લેવામાં નિષ્ફળ રહી.

26 વર્ષની લેફ્ટ-હૅન્ડ બૅટર હર્શિતાને પ્લેયર ઑફ ધ ફાઇનલનો અને કૅપ્ટન અથાપથ્થુને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો.
એ પહેલાં, ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટના ભોગે 165 રન બનાવ્યા હતા.

શ્રીલંકાને 166 રનનો સાધારણ ટાર્ગેટ અપાવવામાં ઓપનર સ્મૃતિ મંધાના (60 રન, 47 બૉલ, દસ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને બીજી ઓપનર શેફાલી વર્મા (16 રન, 19 બૉલ, બે ફોર) વચ્ચે 44 રનની ભાગીદારી થઈ હતી. મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ (29 રન, 16 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 41 રનની ભાગીદારી થઈ હતી.

વિકેટકીપર રિચા ઘોષ (30 રન, 14 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.
શ્રીલંકા વતી કવિશા દિલહારીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. બેમાંથી એક વિકેટ શેફાલીની અને બીજી વિકેટ મંધાનાની હતી.

શ્રીલંકાની ટીમ આ વર્ષમાં 17માંથી 14મી ટી-20 મૅચ જીતી છે. આ વિજયથી શ્રીલંકન ટીમનો ઑક્ટોબરના ટી-20 વર્લ્ડ કપ પહેલાંનો આત્મવિશ્ર્વાસ ઘણો વધી જશે અને ભારતીય ટીમે પરાજયની હતાશામાંથી બહાર આવવું પડશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…