સ્પોર્ટસ

પાકિસ્તાનના છ બોલરે આપ્યા 100-પ્લસ રન, ટેસ્ટ ક્રિકેટનો બીજો જ બનાવ

મુલતાન: પાકિસ્તાનના 556 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ગઈ કાલે ચોથા દિવસે 823/7ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ઇંગ્લૅન્ડે 267 રનની લીડ લીધા બાદ પાકિસ્તાનના બીજા દાવમાં છ વિકેટે 152 રન બન્યા હતા અને હજી 115 રનથી પાછળ હતું. છ પાકિસ્તાની બોલરની બોલિંગમાં 100થી વધુ રન બન્યા હતા. અગાઉ આવું 2004ની સાલમાં શ્રીલંકા સામે ઝિમ્બાબ્વેની ટેસ્ટમાં બન્યું હતું.

છ પાકિસ્તાની બોલરની ઍનેલિસિસ: શાહીન આફ્રિદી 120 રનમાં એક વિકેટ, નસીમ 157 રનમાં બે, અબ્રાર 174 રનમાં વિકેટ નહીં, જમાલ 126 રનમાં એક, સલમાન 118 રનમાં એક અને અયુબ 101 રનમાં બે વિકેટ.
પાકિસ્તાન સામે ટેસ્ટના દાવમાં 800-પ્લસ રન બનાવનાર ઇંગ્લૅન્ડ પ્રથમ દેશ છે. છઠ્ઠી ડબલ સેન્ચુરી ફટકારનાર જૉ રૂટ (262 રન, 375 બૉલ, 601 મિનિટ, સત્તર ફોર) અને બ્રૂક વચ્ચે ચોથી વિકેટ માટે 454 રનની ભાગીદારી થઈ હતી જે ઇંગ્લૅન્ડ માટે નવો વિક્રમ છે. પાકિસ્તાન સામેની પણ આ હાઈએસ્ટ પાર્ટનરશિપ છે. તેમણે કૉન્રાડ હ્યુન્ટ-ગૅરી સોબર્સ વચ્ચેની 446 રનની પાર્ટનરશિપનો વિક્રમ તોડ્યો છે.

ઇંગ્લૅન્ડના હૅરી બ્રૂકે (317 રન, 322 બૉલ, 418 મિનિટ, ત્રણ સિક્સર, 29 ફોર) ગુરુવારે મુલતાનમાં પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં કરીઅરની પ્રથમ ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. આ પહેલાં તેની એકેય ડબલ પણ નહોતી અને 186 રન હાઇએસ્ટ હતો. જોકે 310 બૉલમાં તેણે 300 રન બનાવ્યા હતા. ટેસ્ટના દાવમાં ફાસ્ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરી વીરેન્દર સેહવાગ (2008માં સાઉથ આફ્રિકા સામે 278 બૉલમાં 300 રન)ના નામે છે. બ્રૂક હવે સેહવાગ પછી બીજા નંબરે છે. બ્રૂકે 355 બૉલમાં 300 રન પૂરા કરનાર પોતાના જ દેશના વૉલી હૅમન્ડનો વિક્રમ તોડ્યો છે.
ઉલ્લેખનીય છે કે સેહવાગે એક સમયે મુલતાનમાં જ પાકિસ્તાન સામે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. હૅરી બ્રૂક હવે સેહવાગ પછીનો બીજો ‘મુલતાન કા સુલતાન’ બની ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button