સિરાજના કાંડા સાથે રૂટનું બૅટ ટકરાયું અને પછી… | મુંબઈ સમાચાર

સિરાજના કાંડા સાથે રૂટનું બૅટ ટકરાયું અને પછી…

મૅન્ચેસ્ટરઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટે રમાતી ટેસ્ટ સિરીઝમાં હરીફ ખેલાડીઓ વચ્ચે ઘણી વાર ઘર્ષણ થતા જોવા મળ્યા છે એવામાં જો અકસ્માતે પણ બન્ને ટીમના ખેલાડી એકબીજા સાથે ટકરાયા તો વિવાદ થવાનો ડર રહ્યો છે અને શુક્રવારે ઑલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટ (test)ના ત્રીજા દિવસે એવું જ બન્યું હતું.

કરીઅરની 38મી સેન્ચુરી ફટકારનાર જૉ રૂટ (Joe Root) એક રન દોડી રહ્યો હતો ત્યારે ફૉલો-થ્રુમાં આવી ગયેલા બોલર મોહમ્મદ સિરાજ સાથે ટકરાયો હતો અને એમાં સિરાજે હાથમાં પહેરેલી ઘડિયાળ નીચે પડી ગઈ હતી.

આપણ વાંચો: સચિન તેન્ડુલકરે કરી આ વિનંતી, ભારત અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ તરત સંમત થઈ ગયા

ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં બાવનમી ઓવર સિરાજે કરી હતી જેના પાંચમા બૉલમાં આ ઘટના બની હતી. સિરાજે લેગ સાઇડ પર જે બૉલ ફેંક્યો જેને રૂટ ફ્લિક કરવાનું ચૂકી ગયો હતો અને બૉલ તેના પૅડને વાગ્યો હતો. સિરાજે હાથ ઊંચો કરીને અપીલ કરી એ જ ક્ષણે રન લેવા દોડવાની શરૂઆત કરનાર રૂટ તેની નજીક આવી ગયો હતો.

અનાયાસે સિરાજ પાછળથી પૂરપાટ આવી રહેલા રૂટના માર્ગમાં આવી ગયો હતો. રૂટે તેની સાથેની ટક્કર ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને અજાણતાં સિરાજના કાંડા સાથે રૂટનું બૅટ ટકારાયું હતું જેમાં સિરાજે પહેરેલી વૉચનો પટ્ટો નીકળી ગયો હતો અને ઘડિયાળ (watch) નીચે પડી ગઈ હતી.

આપણ વાંચો: બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે અને બે ભારત વિરુદ્ધ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલરનું અવસાન

આ ઓચિંતી અને ઇરાદા વગરની ટક્કર થયા બાદ સિરાજ (Siraj) વૉચ ઉપાડીને ફરી કાંડા પર પહેરી રહેલો જોવા મળ્યો હતો. દરમ્યાન, ભારતે રૂટ વિરુદ્ધ એલબીડબ્લ્યૂની અપીલ માટે રિવ્યૂ (review) લીધી હતી. જોકે બૉલ રૂટને ન વાગ્યો હોત તો સ્ટમ્પ્સને ન લાગ્યો હોત એવું જણાતાં થર્ડ અમ્પાયરે રૂટને નૉટઆઉટ જાહેર કર્યો હતો.

રૂટે 349 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 248 બૉલમાં 14 ફોરની મદદથી 150 રન કર્યા હતા. તેણે ઑલી પૉપ (71 રન) સાથે 144 રનની અને બેન સ્ટૉક્સ સાથે 142 રનની ભાગીદારી કરી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button