રોનાલ્ડોનું વૉલપેપર અને તેના જેવું સેલિબ્રેશન, સિરાજ બન્યો સરતાજ | મુંબઈ સમાચાર

રોનાલ્ડોનું વૉલપેપર અને તેના જેવું સેલિબ્રેશન, સિરાજ બન્યો સરતાજ

‘તું તારા પપ્પાની જેમ રિક્ષા જ ચલાવ', એવી ભૂતકાળમાં ટકોર સાંભળનાર પેસ બોલર આજે કરોડોપતિ છે

લંડન: સોમવારે ઓવલમાં ઇંગ્લૅન્ડ (England) સામેની રસાકસીભરી છેલ્લી ટેસ્ટ (last test)ના બીજા દાવમાં પાંચ વિકેટ લઈને ભારતને યાદગાર અને ઐતિહાસિક વિજય અપાવનાર પેસ બોલર મોહમ્મદ સિરાજ વિશ્વના સર્વોત્તમ ફૂટબોલર્સમાં ગણાતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ડાઇ-હાર્ડ ફેન છે અને તેના ફોટાવાળું વૉલપેપર સોમવારે વહેલી સવારે પોતાના મોબાઈલમાં ડાઉનલૉડ કરીને સિરાજે ટેસ્ટ મૅચ જીતવા માટેનો આત્મવિશ્વાસ મેળવી લીધો હતો અને સિરાજે સાંજે ભારત (India)ને મૅચ-વિનિંગ વિકેટ અપાવ્યા પછી રોનાલ્ડો જેવી જ ઍક્શનમાં ઊંચો કૂદકો મારીને સેલિબ્રેશન કર્યું હતું.

ખુદ સિરાજે (Mohammed Siraj) મૅચ પછી કહ્યું હતું કે સામાન્ય રીતે હું સવારે 8:00 વાગે જાગું છું, પરંતુ આજે (સોમવારે) હું 6:00 વાગે જાગી ગયો હતો. મેં વિચાર્યું કે હું ભારતને આ ટેસ્ટ જિતાડી શકું એમ છું. મને તરત રોનાલ્ડોનું ‘બીલિવ’ લખેલું પોસ્ટર યાદ આવી ગયું એટલે મેં ગૂગલ પર સર્ચ કરીને એ લખાણવાળો ફોટો મારા ફોનમાં લઈ લીધો હતો. એ ફોટોને મેં મારું વૉલપેપર બનાવી દીધું અને એ શબ્દને મેં દિલમાં અને મનમાં વસાવી લીધો. મને એ આત્મવિશ્વાસવાળો શબ્દ ભારતને વિજય અપાવવામાં ખૂબ કામ લાગ્યો.’

આ પણ વાંચો: ઓવલમાં જીત્યા પછી શુભમન ગિલે કહ્યું, સિરાજ જેવો બોલર દરેક કેપ્ટનનું સપનું…

રવિવારે ભારત સામે બીજા દાવમાં સેન્ચુરી (111 રન) કરનાર ઇંગ્લૅન્ડનો બૅટ્સમૅન હેરી બ્રુક જયારે 19 રન પર હતો ત્યારે બાઉન્ડરી લાઈન પર સિરાજે તેનો કૅચ ઝીલ્યો હતો, પરંતુ તેનો પગ બાઉન્ડરી લાઈન પર પડી જતાં બ્રુકને જીવતદાન મળ્યું હતું. જોકે બ્રુક 111 રન પર હતો ત્યારે આકાશદીપના બૉલમાં સિરાજે જ બ્રુકનો કૅચ ઝીલીને તેને પૅવિલિયન ભેગો કર્યો હતો.

56 મિનિટની રમતે આખી સિરીઝને યાદગાર બનાવી

સોમવારે શ્રેણીના છેલ્લા દિવસની રમત શરૂ થઈ ત્યારથી માંડીને 56 મિનિટ સુધીમાં અનેક ઊતાર-ચઢાવ આવ્યા હતા અને એમાં ભારતે 6 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ 374 રનના લક્ષ્યાંક સામે 367 રન બનાવી શકી હતી.

https://twitter.com/ICC/status/1952419283838931166

ગિલ-બ્રુકને સિરીઝનો પુરસ્કાર

સોમવારે જેમ સિરીઝ 2-2થી ડ્રોમાં જતાં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી ઇંગ્લૅન્ડ અને ભારતને સંયુક્ત રીતે આપવામાં આવી એમ બંને ટીમના મુખ્ય કેપ્ટન શુભમન ગિલ તથા બેન સ્ટૉકસને પ્રતિષ્ઠિત પટૌડી મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. સિરાજને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો, જ્યારે ગિલ તથા હૅરી બ્રુકને સંયુક્ત રીતે મેન ઑફ ધ સિરીઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાંચમી ટેસ્ટનો હીરો સાબિત થયેલો ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ કેટલા કરોડોનો માલિક છે ખબર છે?

ઈજાગ્રસ્ત ક્રિસ વૉકસે પરાજય જોવો પડ્યો

ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ ખભાની ગંભીર ઈજા છતાં ફાઈટિંગ સ્પિરિટ સાથે ડાબા હાથ પર પાટો બંધાવીને બૅટિંગ માટે મેદાન પર ઊતર્યો હતો. તેણે એક હાથે બૅટિંગ કરવાની જરૂર નહોતી પડી અને સામા છેડે ઊભા રહીને તેણે ઇંગ્લૅન્ડનો પરાજય જોવો પડ્યો હતો.

https://twitter.com/TheBarmyArmy/status/1952321523911479504

બુમરાહ વિના ભારત સિરીઝમાં બીજી ટેસ્ટ જીત્યું

ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ એજબૅસ્ટનમાં રમાઈ હતી જેમાં બુમરાહ વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે નહોતો રમ્યો. જોકે એ ટેસ્ટમાં ભારતે વિજય મેળવીને સિરીઝ 1-1થી લેવલ કરી હતી. એ ટેસ્ટમાં સિરાજે કુલ સાત વિકેટ અને આકાશ દીપે કુલ 10 વિકેટ લીધી હતી. ઓવલની છેલ્લી ટેસ્ટમાં સિરાજે કુલ 9 વિકેટ મેળવી હતી. આ બંને ટેસ્ટમાં બુમરાહ નહોતો રમ્યો એમ છતાં સિરાજ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને આકાશ દીપે પેસ આક્રમણ મજબૂત કરીને ભારતને વિજય અપાવ્યો હતો.

https://twitter.com/ICC/status/1952524226583552260

કોચ ભરત અરુણે સિરાજની ટૅલન્ટ પારખી હતી

સિરાજ નાનપણથી જ રોનાલ્ડોનો ફેન છે. તે ટેનિસ બૉલથી રમતો ત્યારે પણ તેનામાં જબરો આત્મવિશ્વાસ હતો. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ કોચ ભરત અરુણે તેની ટૅલન્ટને પારખી અને તેને આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે આગળ વધવાની સલાહ આપી હતી.

રિક્ષા ડ્રાઇવરનો દીકરો કરોડોપતિ

સિરાજના પિતા ઑટોરિક્ષા ડ્રાઇવર હતા. તેઓ પરિવારનું ગુજરાન ભારે સંઘર્ષ કરીને ચલાવતા હતા. ભૂતકાળમાં સિરાજ જ્યારે પણ સ્થાનિક મૅચોમાં ખરાબ રમતો ત્યારે તેને મહેણું મારવામાં આવતું હતું કે ‘ તારે ક્રિકેટ રમવાની જરૂર નથી, તું તારા પપ્પાની જેમ ઑટો રિક્ષા ચલાવીને જ પરિવાર માટે પૈસા ભેગા કર.’

જોકે સિરાજ હિંમત નહોતો હાર્યો અને ક્રિકેટમાં જ કરીઅર બનાવવાનો તેણે સંકલ્પ કર્યો હતો. આજે સિરાજ કરોડોપતિ છે. 57 કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતની સંપતિ ધરાવતા સિરાજ પાસે અને પ્રોપર્ટીઓ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button