સિરાજે મુંબઈ ઍરપોર્ટ પર થોડા ચાહકોની સેલ્ફી-ઑટોગ્રાફની વિનંતી સ્વીકારી અને પછી… | મુંબઈ સમાચાર

સિરાજે મુંબઈ ઍરપોર્ટ પર થોડા ચાહકોની સેલ્ફી-ઑટોગ્રાફની વિનંતી સ્વીકારી અને પછી…

મુંબઈઃ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ 2-2થી બરાબરીમાં લાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર પેસ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) બુધવારે સવારે લંડનથી મુંબઈ (Mumbai) આવી પહોંચ્યો ત્યાર બાદ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ પર તેણે થોડા ચાહકોને ઑટોગ્રાફ આપ્યા હતા અને સેલ્ફી માટેની પણ થોડી વિનંતી સ્વીકાર્યા બાદ ઉતાવળે નજીક ઊભેલી કારમાં તે બેસી ગયો હતો અને હૈદરાબાદ (Hyderabad) માટેની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા ડોમેસ્ટિક ઍરપોર્ટ પહોંચી ગયો હતો જ્યાંથી તે હૈદરાબાદ જવા રવાના થયો હતો.

હૈદરાબાદ પહોંચતાં જ ઍરપોર્ટ પર ચાહકોએ તેનું શાનદાર સ્વાગત (welcome) કર્યું હતું. ભારતે આ શ્રેણી ડ્રૉ કરાવી હતી, પરંતુ સિરાજનો પર્ફોર્મન્સ ભારતને વિજય અપાવવા સમાન હતો. તેણે સોમવારે અંતિમ ટેસ્ટના છેલ્લા દાવમાં આખરી દિવસે ગસ ઍટક્નિસનની મૅચ-વિનિંગ વિકેટ લીધી હતી અને એ સાથે ભારતીય ટીમે સેલિબ્રેશન શરૂ કર્યું હતું. સિરાજે બીજા દાવમાં પાંચ વિકેટ અને પ્રથમ દાવની ચાર વિકેટ ગણીને આખી મૅચમાં કુલ નવ વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ 374 રનના લક્ષ્યાંક સામે 367 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો છ રનથી વિજય થયો હતો.

https://twitter.com/i/status/1952339881252004089

31 વર્ષીય સિરાજ મુંબઈ આવ્યો ત્યારે ડૅપર બ્લૅક કૅઝયુઅલ્સમાં સજ્જ હતો અને તેના ચહેરા પર અંતિમ મૅચના વિજયનો ઉન્માદ દેખાતો હતો. હોમટાઉન હૈદરાબાદમાં અસંખ્ય ચાહકો તેને જોવા ઊમટી પડ્યા હતા અને સિરાજ મહામહેનતે ઍરપોર્ટની બહાર આવી શક્યો હતો. એ પહેલાં, મુંબઈ ઍરપોર્ટ પર સિરાજની સાથે ટીમ ઇન્ડિયાના ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપ પણ હતા.

હૈદરાબાદમાં સિરાજના સન્માનની યોજના

હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ` અમે હજી સિરાજ સાથે વાતચીત નથી કરી. એટલું જરૂર કહીશ કે સિરાજના સન્માનનો કાર્યક્રમ થોડા જ દિવસમાં યોજીશું. તેણે આખા હૈદરાબાદ શહેરનું તેમ જ દેશનું નામ રોશન કર્યું છે.’

બુમરાહની ગેરહાજરી ન વર્તાવા દીધી

સિરાજે જસપ્રીત બુમરાહની ગેરહાજરી નહોતી વર્તાવા દીધી. મૅચ પછી કૅપ્ટન શુભમન ગિલે સિરાજના ભરપૂર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ` સિરાજ જેવો બોલર ટીમમાં રાખવાનું દરેક કૅપ્ટનનું સપનું હોય છે. તેણે દરેક બૉલ પૂરા જોશ અને જુસ્સાથી ફેંક્યો હતો. તેણે દરેક સ્પેલ 100 ટકા ક્ષમતાથી પાર પાડ્યો હતો અને ટીમ માટે બનતું બધુ જ કર્યું હતું.’

આપણ વાંચો:  વિરાટ-રોહિત ODI વર્લ્ડ કપ 2027 નહીં રમી શકે? BCCI ભરી શકે આ મોટું પગલું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button