Singapore Badminton : ભારતની વર્લ્ડ નંબર-30 જોડીએ નંબર-ટૂને હરાવી, જોકે સિંધુ હારી ગઈ
સિંગાપોર: અહીં બૅડ્મિન્ટનના મહા મુકાબલામાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં કટ્ટર હરીફ કૅરોલિના મારિન સામે હારી ગઈ હતી, પરંતુ મહિલા ડબલ્સમાં ભારતની જ ટ્રીસા જૉલી (Treesa Jolly) તથા ગાયત્રી ગોપીચંદે (Gayatri Gopichand) સનસનાટી મચાવી દીધી હતી.
જૉલી-ગાયત્રીની જોડીની વિશ્ર્વમાં 30મી રૅન્ક છે. તેમણે વર્લ્ડ નંબર-ટૂ જોડી સાઉથ કોરિયાની બાએક હૅ ના તથા લી સો હીને 21-9, 14-21, 21-15થી હરાવી દીધી હતી અને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
જૉલી-ગાયત્રી અગાઉ બન્ને વાર આ સાઉથ કોરિયન જોડી સામે હારી ગઈ હતી, પરંતુ ગુરુવારે તેમણે તેમને પરાજિત કરી હતી.
ગાયત્રી ગોપીચંદ ભારતના બૅડ્મિન્ટન-લેજન્ડ પુલેલા ગોપીચંદની પુત્રી છે. ગાયત્રી અને જૉલી કૉમનવેલ્થ ગેમ્સની બ્રૉન્ઝ મેડલિસ્ટ જોડી છે.
ગુરુવારે એ પહેલાં, સિંધુનો મારિન સામે બીજા રાઉન્ડમાં 21-13, 11-21, 20-22થી પરાજય થયો હતો.
પુરુષોમાં ભારતનો એચ. એસ. પ્રણોય જાપાનના કેન્તા નિશિમોતો સામે બીજા રાઉન્ડમાં 13-21, 21-14, 15-21થી હારી જતાં સ્પર્ધાની બહાર થયો હતો.