સૌથી મોંઘી ખેલાડી સિમરન શેખે કોહલી માટે કરી મોટી વાત, મારું સપનું છે કે…
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ સિરીઝને લઈ ભારતીય ટીમ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. ત્રીજી ટેસ્ટમાં નબળા પ્રદર્શન માટે ચર્ચામાં રહેલા કિંગ કોહલી માટે ગુજરાત જાયન્ટ્સની સૌથી મોંઘી ખેલાડીએ મહત્ત્વની વાત કરી છે.
સિમરન શેખ આ દિવસોમાં સમાચારોમાં છે. વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૫ માટે યોજાયેલી હરાજીમાં સિમરનને ગુજરાત જાયન્ટ્સે રૂ. ૧.૯ કરોડની કિંમતમાં ખરીદી હતી. હવે સૌથી મોંઘી ખેલાડી સિમરન શેખે જણાવ્યું કે તેનું સપનું વિરાટ કોહલીને મળવાનું છે.
વિરાટ કોહલી વિશે વાત કરતી વખતે સિમરને કહ્યું હતું કે હું ગુજરાત જાયન્ટ્સ પરિવારનો આભાર માનું છું. આટલી મોટી રકમ મળ્યા પછી હવે તેમના માટે સારું રમવાની મારી જવાબદારી વધી ગઈ છે. હું મારા માતા-પિતાનો આભાર માનું છું કારણ કે મારા સમુદાયમાં આવી વસ્તુઓની મંજૂરી નથી મળતી. પરંતુ તેમણે હંમેશા મને ખૂબ સપોર્ટ કર્યો. મારું સપનું એક વાર વિરાટ કોહલીને મળવાનું છે. મને ફક્ત ભારતની જર્સી જોઈએ છે અને તેથી જ હું આ તમામ પ્રયાસો કરી રહી છું.
હવે તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે મિડલ ઓર્ડર બેટ્સમેન સિમરન ૨૦૨૩ મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સનો ભાગ હતી. તેણે યુપી માટે ૯ મેચ રમી, ૭ ઇનિંગ્સમાં બેટિંગ કરી અને ૨૯ રન બનાવ્યા હતા, જેમાં ૧૧ હાઈએસ્ટ સ્કોર હતો.
આ પણ વાંચો : IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…
નોંધનીય છે કે સિમરન તેની કારકિર્દીમાં અત્યાર સુધી ૮૦ ટી૨૦ મેચ રમી છે. આ મેચોમાં તેણે ૩૪.૭૩ની એવરેજ અને ૧૬૯.૭૮ની સ્ટ્રાઈક રેટથી ૧૫૨૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૮ અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ પરથી સ્પષ્ટ થાય છે કે સિમરન ઝડપી અને આક્રમક બેટિંગ માટે જાણીતી છે.