મિની ઑક્શનમાં મુંબઈની ઑલરાઉન્ડરને ગુજરાત જાયન્ટ્સે બનાવી દીધી સૌથી મોંઘી ખેલાડી
જાણો સૌથી મોંઘી ચાર પ્લેયર કઈ? કઈ ટીમે કોને મેળવી?

બેન્ગલૂરુઃ મુંબઈમાં રહેતી બાવીસ વર્ષની સિમરન બાનુ શેખ નામની બૅટિંગ ઑલરાઉન્ડરને રવિવારે અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) માટેના મિની ઑક્શનમાં ગુજરાત જાયન્ટ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ 1.90 કરોડ રૂપિયામાં મેળવી હતી. આ હરાજીની તે સૌથી મોંઘી ખેલાડી બની હતી.
સિમરન આ પહેલાં ડબ્લ્યૂપીએલમાં યુપી વૉરિયર્ઝ વિમેન ટીમ વતી રમી ચૂકી છે. તે મિડલ-ઑર્ડર બૅટર અને લેગ-સ્પિનર છે. તેને લગતા રેકૉર્ડમાં તેના નામે ફર્સ્ટ-ક્લાસ મૅચ એક પણ નથી. અગાઉ ડબ્લ્યૂપીએલમાં તે માત્ર નવ મૅચ રમી હતી જેમાં તેણે ફક્ત 29 રન બનાવ્યા હતા અને 11 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો અને તેના નામે એકેય વિકેટ નહોતી.
તાજેતરની સિનિયર વિમેન્સ ટી-20 ટ્રોફીમાં સિમરને કુલ 11 મૅચમાં 176 રન બનાવ્યા હતા જેમાં 47 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો.
જોકે રવિવારે બેન્ગલૂરુની હરાજીમાં સિમરનના નામે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના ફ્રૅન્ચાઇઝી વચ્ચે હરીફાઈ થઈ હતી અને છેવટે ગુજરાતે તેને 1.90 કરોડ રૂપિયાના સૌથી ઊંચા બિડ સાથે મેળવી લીધી હતી.
ગુજરાત જાયન્ટ્સના કોચ માઇકલ ક્લિન્ગરે સિમરનને તેમ જ આ ટીમમાં પ્રવેશ કરનાર વેસ્ટ ઇન્ડિઝની ડીએન્ડ્રા ડૉટિનને ચાવીરૂપ પ્લેયર ગણાવી હતી અને કહ્યું હતું કે તેમના ફ્રૅન્ચાઇઝીએ ખાસ કરીને આ બે પ્લેયરને મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જેમાં સફળતા મેળવી છે.
ક્લિન્ગરના મતે સિમરને અમુક સ્થાનિક ટી-20 ટૂર્નામેન્ટમાં તેમ જ ચૅલેન્જર નામની સ્પર્ધામાં સિક્સર ફટકારવાની જબરદસ્ત તાકાત બતાવી છે. ક્લિન્ગરે એક મુલાકાતમાં કહ્યું, અમારે એવી હાર્ડ-હિટરની જરૂર હતી જે ઇનિંગ્સની શરૂઆતથી જ સિક્સર ફટકારવાની તાકાત ધરાવતી હોય અને સિમરનમાં એ તાકાત અમને દેખાઈ છે.' સિમરને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,
મને આટલા ઊંચા ભાવે મેળવવામાં આવશે એની મેં કલ્પના જ નહોતી કરી. હું પોતે સંપૂર્ણપણે ચોંકી ગઈ છું. હું મારા પરિવાર સાથે ટીવી પર ઑક્શન માણી રહી હતી. ગુજરાતની ટીમે મને મેળવી એ સાથે હું આનંદિત થઈ ગઈ હતી. બધા ખુશ થઈ ગયા હતા. મારામાં જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ મુજબનું રમીને હું એ વિશ્વાસને યથાર્થ ઠરાવીશ.’
આ પણ વાંચો : મિની ઑક્શનમાં મુંબઈની ઑલરાઉન્ડરને ગુજરાત જાયન્ટ્સે બનાવી દીધી સૌથી મોંઘી ખેલાડી
રવિવારના મિની ઑક્શનની સૌથી મોંઘી ખેલાડીઓ
સિમરન શેખ (ભારત)ઃ ગુજરાત જાયન્ટ્સ, 1.90 કરોડ રૂપિયા
ડીએન્ડ્રા ડૉટિન (વેસ્ટ ઇન્ડિઝ)ઃ ગુજરાત જાયન્ટ્સ, 1.70 કરોડ રૂપિયા
જી. કમલિની (ભારત)ઃ મુંબઈ ઇન્ડિયન્સ, 1.60 કરોડ રૂપિયા
પ્રેમા રાવત (ભારતઃ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ, 1.20 કરોડ રૂપિયા
નોંધઃ ટોચની ચાર સૌથી મોંઘી ખેલાડીઓમાંથી એકમાત્ર ડૉટિનને બાદ કરતા બાકીની ત્રણેય પ્લેયર હજી સુધી એકેય આંતરરાષ્ટ્રીય મૅચ નથી રમી.
કઈ ટીમે હરાજીમાં કોને મેળવી?
મુંબઈ ઇન્ડિયન્સઃ જી. કમલિની, નૅડિન ક્લર્ક (સાઉથ આફ્રિકા), અક્ષિતા મહેશ્વરી, સંસ્ક્રિતી ગુપ્તા
દિલ્હી કૅપિટલ્સઃ એન. ચરણી, નંદિની કશ્યપ, સારા બ્રાઇસ (સ્કૉટલૅન્ડ), નિકી પ્રસાદ
ગુજરાત જાયન્ટ્સઃ સિમરન શેખ, ડીઍન્ડ્રા ડૉટિન (વેસ્ટ ઇન્ડિઝ), ડેનિયેલ ગિબ્સન (ઇંગ્લૅન્ડ), પ્રકાશિકા નાઇક
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુઃ પ્રેમા રાવત, જૉશિતા જી. વી., રાઘવી બિશ્ત, જાગ્રવી પવાર
યુપી વૉરિયર્ઝઃ ઍલાના કિંગ (ઑસ્ટ્રેલિયા), આરુશી ગોયેલ, ક્રાંતિ ગૌડ