શુભમન ગિલ મારો રેકોર્ડ તોડશેઃ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરે આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવોદિત બેટ્સમેન શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનના સુપરસ્ટાર બેટરે સૌથી મોટું નિવેદન આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનું માનવું છે કે ટેસ્ટમાં એક જ ઇનિંગમાં તેના 400 રનનો રેકોર્ડ તોડી શકાય છે. વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ બેટ્સમેનનું માનવું છે કે ભારતનો સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલ ટેસ્ટની એક ઈનિંગમાં 400થી વધુ રન કરી શકે છે.
લારા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ ઇનિંગ્સમાં 400 રન કર્યા છે. તેણે 2004માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ તેના નામે છે. આ ડાબા હાથના બેટ્સમેને 1994માં વોરવિકશાયર તરફથી રમતી વખતે ડરહામ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં 501 રનની અણનમ ઇનિંગ રમી હતી.
લારાએ કહ્યું હતું કે ગિલ તેની બંને શાનદાર ઇનિંગ્સને પાછળ છોડી શકે છે. લારાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે. ગિલ આ નવી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને વિશ્વાસ છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે.
લારાએ કહ્યું હતું કે તેણે તમામ ફોર્મેટમાં સદી ફટકારી છે, વનડેમાં બેવડી સદી ફટકારી છે અને આઈપીએલમાં ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી છે. મને ખાતરી છે કે તે ભવિષ્યમાં ઘણી આઇસીસી ટૂર્નામેન્ટ જીતશે.
મહાન બેટ્સમેને કહ્યું હતું કે જો ગિલ કાઉન્ટી ક્રિકેટ રમે છે તો તે મારા અણનમ 501 રનના રેકોર્ડને તોડી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ચોક્કસપણે 400નો આંકડો પાર કરી શકે છે.