શુભમન ગિલે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળવા વિશે છેવટે મૌન તોડતાં કહ્યું…

વડોદરાઃ ભારતની વન-ડે અને ટેસ્ટ ટીમના સુકાની શુભમન ગિલ (Shubhman Gill)ને ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમાનારા ટી-20ના વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો એ બાબતમાં અહીં શનિવારે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન સિલેક્શન કમિટીના નિર્ણયને પોતે સહર્ષ સ્વીકારે છે એવું જણાવ્યા પછી કહ્યું હતું કે ` જિંદગીમાં હું હંમેશાં એવું જ માનતો આવ્યો છું કે પોતાના માટે જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એને સ્વીકારી લેવી જોઈએ. હું એવું પણ માનું છું કે મારા ભાગ્ય (Destiny)માં જે લખાયું હશે એ કોઈ છીનવી નથી શકવાનું.’
રવિવારથી ફરી ટીમનું સુકાન સંભાળશે
26 વર્ષનો ગિલ ભારત વતી 36 ટી-20 રમ્યો છે, જેમાં તેણે 138.59ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 869 રન કર્યા છે. રવિવાર, 11મી જાન્યુઆરીએ વડોદરામાં ગિલના સુકાનમાં ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રણ સિરીઝવાળી પ્રથમ વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) રમશે.
ટી-20 ટીમને આપી શુભેચ્છા
શુભમને એવું પણ કહ્યું કે ` સ્વાભાવિક રીતે કોઈ પણ ખેલાડી વર્લ્ડ કપ (World Cup)માં રમે ત્યારે તેની ટીમને અને દેશને ટ્રોફી જિતાડવાની દૃઢતા જ તેના મનમાં હોય. જોકે હું સિલેક્ટરોના નિર્ણયને સ્વીકારું છું અને ભારતની ટી-20 ટીમ માટે ઑલ ધ વેરી બેસ્ટ કહેવા માગું છું. ખરેખર હું દિલથી આશા રાખું છું કે તેઓ આપણને ફરી વર્લ્ડ કપની ટ્રોફી અપાવશે.’

હંમેશાં વર્તમાનને જ અપનાવે છે
વર્લ્ડ કપની ટીમમાં તમને સ્થાન નથી મળ્યું એને લીધે તમારા મન પર કોઈ વિપરીત અસર થઈ રહી છે? એવો સવાલ પૂછાતાં શુભમને કહ્યું, ` સ્પોર્ટ્સપર્સન હોવા બદલ હું વર્તમાનને જ અપનાવવામાં માનું છું. શું બનશે અને અગાઉ શું બની ગયું એ વિશે હું વિચારતો જ નથી. મેદાન પર પણ આવો જ અભિગમ રાખું છું. આવા વલણથી પોતાની સફળતાની સંભાવના વધી જતી હોય છે.’
શુભમને વધુ વિસ્તારથી કહ્યું, ` હું હંમેશાં એવું જ વિચારું છું કે મારે હવે શું કરવું જોઈએ અને મારા માટે શું અગત્યનું છે. આપણે જેટલા વર્તમાનમાં રહીએ એટલી આપણી જિંદગી સરળ રહે. જે છે એને અપનાવી લેવાનું. જેમ તમે પોતાની જિંદગીને વધુને વધુ સરળ બનાવો એટલી તમને માનસિક શાંતિ અને આનંદિત સ્થિતિ મળે.’
સિનિયર ખેલાડીઓ વિશે કહ્યું કે…

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 તેમ જ ટેસ્ટ ફૉર્મેટ છોડી દીધું છે અને હવે ભારત વતી માત્ર વન-ડે રમે છે. સિનિયર ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કઠિન ફૉર્મેટ છોડીને આસાન ફૉર્મેટ રમવાનું ચાલુ રાખ્યું છે એવું કહી શકાય? એવા એક પત્રકારના સવાલના જવાબમાં ગિલે કહ્યું, ` હું આ વાત સાથે સંમત નથી. ભારત 2011 પછી ક્યારેય વન-ડે વર્લ્ડ કપ નથી જીતી શક્યું. જો આ ફૉર્મેટ આસાન હોત તો આપણે દર બીજી સીઝનમાં વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા હોત. સિનિયર પ્લેયર્સ વિશે આવું કહેવું સહેલું છે. કોઈ પણ ફૉર્મેટમાં સફળતા જાળવી રાખવી આસાન કામ નથી. મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવાની ક્ષમતા અને અટલ અભિગમ હોવો જરૂરી હોય છે. આઇસીસી ટ્રોફી જીતવા માટે આ ઉપરાંત સંકલ્પશક્તિ પણ આવશ્યક છે.’
ટેસ્ટ સિરીઝ પહેલાં અમને…
ગિલે પત્રકારોને કહ્યું કે ` હું બીસીસીઆઇને હંમેશા કહેતો હોઉં છું કે ટેસ્ટ સિરીઝ પહેલાં ખેલાડીઓને તૈયારી માટે પૂરતો સમય મળવો જોઈએ. છેલ્લી બે ટેસ્ટ શ્રેણી પહેલાં અમને તૈયારી માટે પૂરતો સમય મળ્યો જ નહોતો.’



