રોહિત-વિરાટના ચાહકોને ખુશ કરી દે એવું નિવેદન શુભમન ગિલે આપ્યું! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રોહિત-વિરાટના ચાહકોને ખુશ કરી દે એવું નિવેદન શુભમન ગિલે આપ્યું!

નવી દિલ્હીઃ ભારતની વન-ડે ટીમના નવા કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) કહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના કૌશલ્ય તથા પુષ્કળ અનુભવને ભૂલી ન શકાય અને એટલે 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેની યોજનામાં આ બન્ને દિગ્ગજો સામેલ છે જ.

26 વર્ષના ગિલને ટેસ્ટ પછી હવે વન-ડે ટીમની કૅપ્ટન્સી પણ સોંપાઈ છે. તેણે એવું પણ કહ્યું હતું કે લગભગ ચાર વર્ષના સુકાન દરમ્યાન તેના પુરોગામી (રોહિતે) ડ્રેસિંગ-રૂમમાં શાંત અને દોસ્તીનો જે માહોલ બનાવ્યો હતો એવું જ વાતાવરણ તેમ જ તેમના જેવો ધૈર્યભર્યો અભિગમ પોતે પણ ઇચ્છે છે.

આ પણ વાંચો: શુભમન ગિલે આઇસીસી અવૉર્ડ જીતવામાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો

રોહિત-વિરાટ (Rohit-Virat) વર્લ્ડ કપ સુધીના પ્લાનમાં છે જ

ચીફ સિલેક્ટર અજિત આગરકરે રોહિત-વિરાટના ભારતની વન-ડે ટીમમાંના ભાવિ વિશે કોઈ બાંયધરી નથી આપી, પરંતુ અહીં વેસ્ટ ઇન્ડિઝ સામે શુક્રવારે શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં પત્રકારો સાથેની મુલાકાતમાં પૂછાતાં કૅપ્ટન ગિલે કહ્યું, ` રોહિત અને વિરાટ, બન્નેને જે બહોળો અનુભવ છે અને ભારતને તેમણે જે અસંખ્ય મૅચો જિતાડી છે એને ધ્યાનમાં લેતાં તેઓ 2027ના વર્લ્ડ કપ માટેના પ્લાનમાં સામેલ છે જ. આ બન્ને મહારથીઓએ ભારતને જેટલી મૅચો જિતાડી છે એટલી ભાગ્યે જ બીજા કોઈએ જિતાડી છે. વિશ્વમાં બહુ ઓછા ક્રિકેટરોમાં રોહિત-વિરાટ જેવા કૌશલ્ય, ગુણો અને અનુભવ જોવા મળ્યા છે. એ બધું જોતાં મને બહુ ખુશી થઈ રહી છે. રોહિતભાઈમાં જે ગુણો છે એ હું પણ ગ્રહણ કરવા માગું છું. ખાસ કરીને તેમના ધીરજ અને દોસ્તીભર્યા અભિગમથી હું ખૂબ પ્રભાવિત થયો છું.’

19મીથી રોહિત-વિરાટ પાછા મેદાન પર

રોહિત 38 વર્ષનો અને વિરાટ 36 વર્ષનો છે. બન્નેએ ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનૅશનલમાં રમવાનું છોડી દીધું છે અને હવે ફક્ત વન-ડેમાં તેમ જ આઇપીએલમાં જ રમશે. હવે તેઓ આગામી 19મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ફરી રમતા જોવા મળશે.

આ પણ વાંચો: કોહલી, દ્રવિડ, ગાંગુલી ન કરી શક્યા એ કામ શુભમન ગિલે કરી દેખાડ્યું!

કૅપ્ટન્સીની જાણ અગાઉથી થયેલી

અમદાવાદમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ ત્રીજા દિવસે જીતી લીધી ત્યાર બાદ કરી ચીફ સિલેક્ટર અજિત આગરકરે ગિલની વન-ડે કૅપ્ટન તરીકેની જાહેરાત કરી હતી. એ સંબંધમાં પૂછાતાં ગિલે પત્રકારોને કહ્યું હતું કે ` મને વન-ડેની કૅપ્ટન્સી વિશે જાહેરાતના થોડા દિવસ પહેલાં જ જાણ કરી દેવામાં આવી હતી. હું વન-ડે ફૉર્મેટમાં પણ ટીમનું સુકાન સંભાળવા માટે ખૂબ ઉત્સુક છું.’

ગૌતમ ગંભીર વિશે ગિલે શું કહ્યું?

ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવા મળ્યું અને ગિલને ટેસ્ટ બાદ વન-ડેની કૅપ્ટન્સી પણ મળી. આ બધું એક જ અરસામાં બની રહ્યું છે અને એક પત્રકારે ગંભીર સાથે કેવું જામે છે? એવું પૂછ્યું ત્યારે ગિલે કહ્યું, ` કોઈ ટીમ માટેના 15થી 18 ખેલાડી પસંદ કરવાની બાબતમાં તેમ જ ટીમમાં ફેરફાર કરવા વિશે મારા અને ગંભીરના વિચારો મળતા આવે છે. અમારી વચ્ચેના સંબંધો ખરેખર સારા છે. બહુ સીધી વાત છે. ટીમમાં ખેલાડીઓનું સ્થાન સુરક્ષિત રાખવાની બાબતમાં તેમ જ ટીમમાં ફેરફાર કરવા અંગે હું અને ગંભીર ચર્ચા કરી લઈએ છીએ અને પછી નિર્ણય પર આવીએ છીએ. અમારી ચર્ચા ખાસ કરીને ફાસ્ટ બોલર્સ વિશેની હોય છે. અમે ટીમમાં તેમનો સમાવેશ એવી રીતે કરીએ છીએ કે જેથી સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા કે ન્યૂ ઝીલૅન્ડ જેવા દેશોના પ્રવાસમાં તેમને પૂરતી તક મળી શકે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button