સ્પોર્ટસ

ફેવરિટ ક્રમ ઓપનિંગમાં આતશબાજી કરીને શુભમન ગિલ પાછો ફૉર્મમાં આવી ગયો

બેન્ગલૂરુઃ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની તમામ પાંચ ઇનિંગ્સમાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયેલો શુભમન ગિલ અહીં કર્ણાટક સામેની રણજી મૅચના પ્રથમ દાવમાં પણ ફક્ત ચાર રન બનાવી શકતા ટીકાકારોનું નિશાન બન્યો હતો, પણ આજે તેણે બીજા દાવમાં સેન્ચુરી ફટકારીને તેમની બોલતી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગિલે 171 બૉલમાં ત્રણ સિક્સર અને 14 ફોરની મદદથી 102 રન બનાવ્યા હતા.

પંજાબની ટીમ આ મૅચ એક દાવથી હારી ગઈ હતી, પણ પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના પાંચ બોલરની બોલિંગનો હિંમતથી સામનો કરી ગિલે 14મી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ફટકારવામાં સફળતા મેળવી હતી. તેણે 159 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. ટેસ્ટ મૅચમાં ત્રીજા નંબરે રમતા ગિલે આ રણજી મૅચમાં ઓપનિંગમાં કમબૅક કર્યું હતું.

પચીસ વર્ષીય ગિલના સુકાનમાં પંજાબ પહેલા દાવમાં ફક્ત પંચાવન રનમાં ઑલઆઉટ થઈ ગયું ત્યારે જ એનો પરાજય નક્કી થઈ ગયો હતો. કર્ણાટકે રવિચન્દ્રન સ્મરણ (203)ની ડબલ સેન્ચુરીની મદદથી 475 રન બનાવ્યા અને બીજા દાવમાં પંજાબને ગિલની સદી છતાં 213 રનમાં ઑલઆઉટ કરીને આ મૅચ એક ઇનિંગ્સ અને 207 રનથી જીતી લીધી હતી.

આ પણ વાંચો…IND vs ENG: ટીમ ઇન્ડિયાનો ધુંઆધાર બેટર ઈજાગ્રસ્ત થયો! આજે આ ખેલાડીને મળી શકે છે સ્થાન

કર્ણાટકના સ્પિનર શ્રેયસ ગોપાલે 19 રનમાં ત્રણ વિકેટનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવ્યો હતો. ગિલની વિકેટ તેણે જ લીધી હતી. તેણે ગિલને એલબીડબ્લ્યૂમાં પૅવિલિયનમાં પાછો મોકલ્યો હતો. પેસ બોલર યશોવર્ધન પરણતાપે ત્રણ વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ લીધી હતી.

https://twitter.com/i/status/1883068763089805544

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button