સ્પોર્ટસ

પ્લેઇંગ-ઇલેવનના મુદ્દે ગિલ અવઢવમાં, શમી વિશે પૂછાતાં જવાબમાં કહ્યું કે…

કોલકાતાઃ ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારતની પ્લેઇંગ-ઇલેવન નક્કી કરવામાં કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) મૂંઝવણમાં છે ત્યાં બીજી બાજુ તેણે ઘણા મહિનાઓથી અવગણવામાં આવી રહેલા પેસ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ના મુદ્દે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું છે.

ટેસ્ટ (Test)ના ચોથા નંબરના ભારત અને વિશ્વ વિજેતા સાઉથ આફ્રિકા વચ્ચે શુક્રવાર, 14મી નવેમ્બરે (સવારે 9.30 વાગ્યાથી) કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રથમ ટેસ્ટ શરૂ થશે અને એમાં ભારતના કયા 11 ખેલાડી રમશે એ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું.

જોકે આવું તો ઘણી વાર બનતું હોય છે એટલે સ્વાભાવિક છે કે મૅચના દિવસે જ ઇલેવન જાહેર કરવામાં આવે, પણ સૌથી મોટો મુદ્દો એ છે કે સાઉથ આફ્રિકા સામે ત્રણ સ્પિનરને રાખવા કે ત્રણ પેસ બોલરને?

આપણ વાચો: ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો, જુઓ અનસૉલ્ડ લિસ્ટ…

ઈડનની પિચ પર પહેલાં પેસરને, પછી સ્પિનરને લાભ

કોલકાતામાં ઈડન ગાર્ડન્સની પિચ પર ત્રીજા દિવસથી (રવિવારથી) સ્પિનર્સને વધુ ટર્ન મળવાના શરૂ થશે એવી સંભાવના વચ્ચે બન્ને ટીમના કૅપ્ટન (શુભમન ગિલ અને ટેમ્બા બવુમા) મુકાબલાની શરૂઆતમાં પોતાના પેસ બોલર્સને મોરચા પર બને એટલા જાળવી રાખવા માગશે.

બીજી રીતે કહીએ જેની પહેલાં ફીલ્ડિંગ હશે એ ટીમ શરૂઆતમાં પેસ બોલરનો વધુ ઉપયોગ કરશે. ઈડનના મેદાન પર સામાન્ય રીતે નવો બૉલ ખૂબ સ્વિંગ થતો હોય છે જેનો લાભ પહેલાં બોલિંગ કરનારી ટીમ લેવાનું ચૂકશે નહીં.

આપણ વાચો: પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂ

ભારત પાસે સ્પિનર્સ, પેસર્સની ફોજ

ભારતીય સ્ક્વૉડમાં ચાર સ્પિનર છે જેમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ છે. કુલદીપને બાદ કરતા બાકીના ત્રણેય સ્પિનર બૅટિંગમાં પણ ઉપયોગી થઈ શકે.

ભારતીય પેસ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપનો સમાવેશ છે. ચોથા પેસ બોલર નીતીશ રેડ્ડીને ટીમમાંથી છૂટો કરીને વિકેટકીપર-બૅટ્સમૅન ધ્રુવ જુરેલને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે.

આપણ વાચો: ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ઇલેવન વિશે કૅપ્ટન ગિલ શું બોલ્યો

કૅપ્ટન શુભમન ગિલ સાથેની વાતચીતમાં પત્રકારોએ સૌથી વધુ સવાલ પ્લેઇંગ-ઇલેવન બાબતમાં પૂછ્યા હતા. ગિલે તેમને કહ્યું, ` ટીમ નક્કી કરવા માટે સ્ક્વૉડમાં આટલા બધા વિકલ્પો હોય ત્યારે આવી જ (મૂંઝવણની) સ્થિતિ સર્જાય.

અમે મૅચના દિવસે (શુક્રવારે) સવારે પિચનું અવલોકન કરીશું અને પછી જ પ્લેઇંગ-ઇલેવન નક્કી કરીશું. ગુરુવાર માટેની પિચ બુધવારે અલગ લાગતી હોવાથી આવું નક્કી કર્યું છે.

એક વાત હું દૃઢપણે માનું છું કે આ મૅચમાં સ્પિનર્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે. જોકે અમારી પાસે ઑલરાઉન્ડર્સ પણ ઘણા છે. ખાસ વાત એ છે કે સ્પિનર જ્યારે ભારતમાં રમતા હોય ત્યારે કમાલ જ કરતા હોય છે. પિચ જો સૂકી હોય તો રિવર્સ-સ્વિંગ પણ મોટી ભૂમિકા ભજવે.’

શમી વિશે ગિલે જવાબ ટાળ્યો

મોહમ્મદ શમી ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, પરંતુ તેને અગાઉ ફિટનેસના અભાવને કારણે અને ત્યાર બાદ અન્ય કોઈ કારણ બદલ ભારત વતી નથી રમવા મળતું.

ગિલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, શમી જેવા બોલરનું સિલેક્શન ન કરવાનું હંમેશાં મુશ્કેલ કામ થઈ જતું હોય છે. તેણે શાનદાર પર્ફોર્મ કર્યું છે.’ જોકે શમી કેમ અત્યારે ટીમમાં નથી? એવું પૂછાતાં ગિલે કહ્યું, એનો જવાબ તો સિલેક્ટર્સ જ આપી શકે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button