સ્પોર્ટસ

ગિલ કદાચ વન-ડે સિરીઝમાં પણ નહીં રમે, કૅપ્ટન્સી માટે બોલાય છે આ બે નામ

ગુવાહાટીઃ ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટમાં નથી રમ્યો અને હવે તે આવતા રવિવારે (30મી નવેમ્બરે) આ જ હરીફ દેશ સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે (ODI) સિરીઝમાં પણ નહીં રમે એવી પાક્કી સંભાવના છે, કારણકે ગરદનની ઈજા ગંભીર હોવાથી તેણે વધુ આરામ કરવો પડશે. તેની આ ઇન્જરી ગરદન પૂરતી સીમિત નથી એવું લાગતાં ડૉક્ટરે તેને વધુ રેસ્ટ લેવાની સલાહ આપી છે.

ગુવાહાટીની વર્તમાન ટેસ્ટમાં રિષભ પંત સુકાન સંભાળી રહ્યો છે અને તેણે દેશના 38મા ટેસ્ટ-કૅપ્ટન બનવાની સિદ્ધિ પણ મેળવી છે, પરંતુ વન-ડે શ્રેણીમાં ગિલની ગેરહાજરીમાં કાર્યવાહક સુકાની તરીકે પંતની સાથે કે. એલ. રાહુલનું નામ પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો : શુભમન ગિલને ગળામાં થયેલી ઈજા ગંભીર! પહેલી ટેસ્ટમાંથી બહાર, બીજીમાં રમવું પણ મુશ્કેલ!

ઉલ્લેખનીય છે કે પીઢ ખેલાડી રોહિત શર્મા પણ વન-ડે સિરીઝમાં રમશે એટલે તેને સુકાન સોંપાશે કે કેમ (અને સોંપાશે તો એ સ્વીકારવા તે રાજી થશે કે કેમ) એ જોવું રહ્યું.

ગિલ (Gill) હાલમાં મુંબઈમાં સારવાર હેઠળ છે. ડૉક્ટરે તેને કેટલાક પ્રકારના ચેક-અપ અને મેડિકલ ટેસ્ટ કરાવવા કહ્યું છે. એમાં એમઆરઆઇ (મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ)નો પણ સમાવેશ છે. આ તમામ પ્રકારના પરીક્ષણ પરથી બીસીસીઆઇના ડૉક્ટર નક્કી કરશે કે ગિલને ગરદનમાં માત્ર સ્નાયુઓમાં જ દુખાવો છે કે તેને નર્વ ટિસ્યૂની પણ સમસ્યા નડી રહી છે. જો એવું હશે તો તેણે વધુ સમય આરામ કરવો પડશે. સિલેક્ટરોને આશા છે કે ગિલ વન-ડે શ્રેણી પછીની ટી-20 સિરીઝ પહેલાં ફિટ થઈ જશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button