વિરાટપ્રેમીઓ આનંદો! વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે…
![king kohli draws huge crowd for ranji match in delhi](/wp-content/uploads/2025/01/virat-kohli-ranji-match.webp)
કટકઃ ગુરુવારે નાગપુરમાં હજારો પ્રેક્ષકો ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ખાસ કરીને વિરાટ કોહલીને રમતો જોવા આવ્યા હતા, પણ ટીમનો આ પીઢ ખેલાડી આગલી જ સાંજે પ્રૅક્ટિસ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થવાને કારણે એ દિવસની મૅચમાં નહોતો રમી શક્યો અને આ પ્રેક્ષકોએ (ભારત જીતી જવા છતાં) વિરાટને ન જોવા મળ્યો એના અફસોસ સાથે પાછા જવું પડ્યું હતું. જોકે હવે રવિવારે ઓડિશાના કટકમાં એવું નથી બનવાનું.
Also read : શુભમન ગિલનો બૅટિંગ ઍવરેજમાં વર્લ્ડ રેકોર્ડ: વિરાટ, બેવન, ડિવિલિયર્સને પણ ઝાંખા પાડી દીધા
કારણ એ છે કે કિંગ કોહલી’ની ઘૂંટણની ઈજા ગંભીર નથી અને એ દિવસે ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી)માં તે રમવાનો છે. વાઇસ-કૅપ્ટન અને ગુરુવારના મૅન ઑફ ધ મૅચ શુભમન ગિલે બ્રૉડકાસ્ટર્સને આપેલી મુલાકાતમાં આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિરાટની ગોઠણની ઈજા ગંભીર નથી. તેને એમાં જે સોજો છે એ ઓછો થઈ રહ્યો છે અને રવિવારની બીજી વન-ડે સુધીમાં તે રમવા માટે ફિટ થઈ જશે.
36 વર્ષીય વિરાટ ગુરુવારે પ્લેઇંગ-ઇલેવનમાં નહોતો એમ છતાં ભારતે એ મૅચ 68 બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. વિરાટ કોહલી ટીમમાં નહોતો એટલે વનડાઉનમાં શુભમન ગિલ રમ્યો હતો અને તેના 87 રનની મદદથી ભારતે આસાન વિજય મેળવ્યો હતો.
શુભમન ગિલે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ગુરુવારે (મૅચના દિવસે) સવારે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે વિરાટને જે ઈજા થઈ હતી એ થોડી ગંભીર છે, તેને ગોઠણમાં થોડો સોજો છે. જોકે તે રવિવારની મૅચ સુધીમાં ફિટ થઈ જશે.’ વિરાટ કોહલી રવિવારની મૅચમાં પાછો આવશે એટલે તેને તેના નિત્યક્રમ વનડાઉનમાં મોકલવામાં આવશે કે બીજા કોઈ નંબર પર એ સવાલ છે, પરંતુ શુભમન ગિલે કહ્યું,ટેસ્ટમાં હું ત્રીજા નંબરે બૅટિંગ કરતો હોઉં છું એટલે ગુરુવારની વન-ડેમાં વનડાઉનમાં રમવાનું મારા માટે કોઈ મોટા ફેરફાર જેવું નહોતું.
હા, પરિસ્થિતિ થોડી અલગ જરૂર હતી. વનડાઉનમાં રમવાનું નક્કી થયું હોય અને જો ઓપનિંગની વિકેટ જલદી પડી જાય તો વનડાઉનમાં બૅટરે પરિસ્થિતિ અનુસાર બૅટિંગ કરવી પડતી હોય છે અને ગુરુવારે મારા કિસ્સામાં એવું જ બન્યું હતું.
ગિલે એ દિવસે 133 મિનિટ (બે કલાકથી પણ વધુ સમય સુધી) ક્રીઝમાં ટકી રહીને 96 બૉલમાં 14 ફોરની મદદથી મૅચ-વિનિંગ 87 રન બનાવ્યા હતા.
Also read : શનિવારે કર્ણાટકમાં ભારત-શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે ટી-20 મુકાબલો
વિરાટ કોહલીએ ગુરુવારે ભારતના વિજય બાદ મેદાન પર ઊતરીને ગિલ તેમ જ ડેબ્યૂમાં જબરદસ્ત પર્ફોર્મ કરનાર હર્ષિત રાણાને, અણનમ બૅટર્સ હાર્દિક પંડ્યા તેમ જ રવીન્દ્ર જાડેજાને અભિનંદન આપ્યા હતા તેમ જ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસન સાથે હળવી મજાક-મસ્તી કરી હતી.