સ્પોર્ટસ

ગિલને જયપુરમાં રાત્રે એવું તે શું થઈ ગયું કે સવારે રમ્યો જ નહીં?

જયપુરઃ ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) હજી માંડ ગરદનની અને પગના અંગૂઠાની ઈજામાંથી મુક્ત થયો છે ત્યાં તેને એક નાની બીમારી નડી જેને લીધે તે શનિવારે સવારે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની સિક્કિમ સામેની મૅચમાં નહોતો રમી શક્યો. તે આ મૅચમાં પંજાબ (Punjab) વતી રમવાનો હતો, પણ હવે તેની તબિયત સારી છે અને છઠ્ઠી જાન્યુઆરીએ ગોવા સામેની મૅચમાં તે રમશે.

બન્યું એવું કે ગિલ શુક્રવારે બપોરે જયપુર આવી પહોંચ્યો હતો. તે શનિવારે સિક્કિમ સામેની મૅચમાં રમવાનો જ હતો, પરંતુ ખોરાકી ઝેરની અસર (Food Poisioning)ને કારણે તેની તબિયત બગડી ગઈ હતી.

ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી

શુક્રવારે રાત્રે ખોરાકી ઝેરની અસરને કારણે ગિલ બીમાર પડી ગયો હતો. ગિલને શનિવાર સવારની મૅચમાં રમવું હતું, પણ ડૉક્ટરે તેમ જ પંજાબની ટીમના મૅનેજમેન્ટ (કૅપ્ટન પ્રભસિમરન સિંહ તથા કોચ અને ટીમના અન્ય વરિષ્ઠ ખેલાડીઓ)એ ગિલને આરામ કરવાની સલાહ આપી હતી.

11મી જાન્યુઆરીએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ માટે શનિવારે જાહેર કરવામાં આવેલી ટીમનું સુકાન ગિલને સોંપાયું છે. સલાહ મળ્યા બાદ ખુદ ગિલે આ શ્રેણીને ધ્યાનમાં રાખીને જયપુરની મૅચમાં ન રમવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો…શુભમન ગિલ વિશે ગુજરાત ટાઇટન્સે મોટું નિવેદન આપ્યું…

ગિલ વિના પણ પંજાબ જીત્યું

જોકે ગિલની ગેરહાજરી પંજાબને નડી નહોતી, કારણકે પંજાબે સિક્કિમને 262 બૉલ બાકી રાખીને 10 વિકેટે હરાવી દીધું હતું. ખાસ કરીને અર્શદીપ સિંહની પાંચ વિકેટને કારણે સિક્કિમની ટીમ 75 રનમાં આઉટ થઈ હતી અને કૅપ્ટન પ્રભસિમરન સિંહ (53 અણનમ, 26 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) તથા હરનૂર સિંહ (22 અણનમ, 13 બૉલ, ચાર ફોર)ની જોડીએ માત્ર 6.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 81 રન કરીને પંજાબને વિજય અપાવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button