સ્પોર્ટસ

અમદાવાદથી ચંદીગઢ જતા ગિલને મળ્યો ટીમમાંથી ‘ડ્રોપ’ થવાનો ફોન, કોલ કોણે કર્યો?

નવી દિલ્હી/ચંદીગઢઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2026ની ટીમમાંથી શુભમન ગિલને અચાનક પડતો મૂકવાને કારણે ક્રિકેટ રસિયાઓને જોરદાર આંચકો લાગ્યો હતો. ઈવન આ સમાચાર શુભમન ગિલ માટે પણ આઘાતજનક હતો. ટીમની સત્તાવાર જાહેરાતના થોડી મિનિટ પહેલા જ શુભમન ગિલને તેની બાદબાકી અંગે જાણ કરવામાં આવી હતી, જેનાથી પરિસ્થિતિ વધુ ચોંકાવનારી હતી. બીસીસીઆઈના કાર્યાલયમાંથી ભારતીય ટીમની જાહેરાત કર્યા પછી ગિલ પાસે તૈયારી કરવાનો પણ સમય નહોતો. એટલું જ નહીં, આ પરિસ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી.

વિજય હજારે ટ્રોફીમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરશે

મીડિયાના અહેવાલ અનુસાર શનિવારે બપોરે બીસીસીઆઈએ પોતાના કાર્યાલયમાંથી ટવેન્ટી-20 વર્લ્ડકપની ટીમ અને એના પહેલા ન્યૂ ઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. એના પહેલા ગિલ અમદાવાદથી ચંદીગઢની ફ્લાઈટમાં જતાં પહેલા કોઈએ તેને ફોન કરીને ટીમમાંથી ડ્રોપ કર્યો હોવાની માહિતી મળી હતી, પરંતુ સવાલ એ છે કે ગિલને કોણે કોલ કર્યો હતો.

બીજી બાજુ એવું પણ કહેવાય છે કે શુભમન ગિલને ડ્રોપ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એના અંગે કોઈ વાત સુદ્ધા કરી નહોતી. હાલમાં ચંદીગઢ પાછા ફરેલા ગિલ ડોમેસ્ટિક ક્રિકેટ પર ફોક્સ કરવા ઈચ્છે છે. વિજય હજારે ટ્રોફીમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરશે. એના પછી જાન્યુઆરીમાં ત્રણ વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં ભાગ લઈ શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ટીમમાંથી ગિલને પડતો મુકાયો, જાણો બીજા કયા ધૂરંધરોની થઈ બાદબાકી

ગિલને પડતો મૂકવા અંગે અજિત અગરકરે શું કહ્યું

ટીમની જાહેરાત પછી પસંદગીકાર અને ટીમ મેનેજમેન્ટવતીથી અજિત અગરકરે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ગિલને બહાર કરવા માટે તેની લાંબાગાળાની ક્ષમતા પર કોઈ સવાલ કર્યો નથી. પણ આ નિર્ણય વર્લ્ડ કપ માટે પસંદ કરેલા કોમ્બિનેશન, બેલેન્સ અને ટોપ ઓર્ડરની જરુરિયાતને ધ્યાનમાં રાખીને લીધો છે, જે ફક્ત વ્યક્તિગત ફોર્મ આધારિત નથી. બીજી બાજુ ભૂતપૂર્વ કેપ્ટન શ્રીકાંતે મેનેજમેન્ટના નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સિલેક્શન કમિટીના નિર્ણયની પ્રશંસા કરતા શ્રીકાંતે કહ્યું હતું કે ગિલને ફરી તક મળે એના માટે રાહ જોવી પડશે.

વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે તૈયાર હતો

ગિલનું બહાર જવાનું એટલા માટે ચોંકાવનારું છે, કારણ કે ટવેન્ટી20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડની સિરીઝ માટે ગિલ તૈયાર હતો. એટલું જ નહીં, દક્ષિણ આફ્રિકા સામે પાંચમી અને છેલ્લી ટવેન્ટી-20 મેચમાં રમવા માટે પણ ઉત્સુક હતો. લખનઉમાં રમાયેલી ચોથી ટવેન્ટી20 મેચમાં ઈજા પહોંચી હતી. જોકે, પછી એ મેચ રદ્દ કરી હતી. આમ છતાં ગિલ જરુરિયાત વખતે પણ રમવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. આમ છતાં મેડિકલ ટીમે તેને સતર્ક રહેવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: ગાવસકરે ગિલને કહ્યું,` ઘરે જઈને કોઈને કહેજે, તારી નજર ઉતારી લે’…

પ્રદર્શનને લઈ અનેક મહિનાથી ગંભીર સવાલો ઊભા થયા

ગિલને બહાર કરવા અંગે તેના પ્રદર્શનને લઈ ગંભીર સવાલો કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં ટવેન્ટી20 ક્રિકેટમાં નબળું પ્રદર્શન રહ્યું હતું. એશિયા કપ (સપ્ટેમ્બર)માં ટવેન્ટી20માં વાપસી કર્યા પછી ગિલે 15 મેચમાં 291 રન બનાવ્યા હતા, જેમાં 24.25 એવરેજ અને સ્ટ્રાઈક રેટ 137 રહ્યો હતો, પરંતુ એક પણ હાફ સેન્ચુરી કરી શક્યો નહોતો.
બીજી બાજુ હવે ગિલની ગેરહાજરીમાં સંજુ સેમસનને તક આપવામાં આવી છે. અમદાવાદમાં રમાયેલી ટવેન્ટી20 મેચમાં અભિષેક શર્મા સાથે મજબૂત ઈનિંગ રમ્યો હતો. ઈશાન કિશનને પણ ઓપનિંગ વિકલ્પ તરીકે રાખ્યો છે, જેનાથી ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર કર્યો છે.

માર્ચ, 2026માં વર્લ્ડ કપ રમાડવામાં આવશે

આઈસીસી મેન્સ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની શનિવારે જાહેરાત કરી હતી. ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલને વાઈસ કેપ્ટન તરીકે કમાન સોંપી હતી. સાતમી ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી ભારત અને શ્રી લંકામાં ટવેન્ટી-20 વર્લ્ડકપ રમાડવામાં આવશે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button