
મૅન્ચેસ્ટરઃ હોમ-ગ્રાઉન્ડ પર હરીફો સામે હારવાની સ્થિતિમાં આવી જવાય કે કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય ત્યારે બ્રિટિશ ખેલાડીઓ અને ઑસ્ટ્રેલિયન પ્લેયરો હરીફ ટીમ સામે સ્લેજિંગનું શસ્ત્ર અજમાવતા હોય છે. આઇપીએલની ખ્યાતિ વધી ત્યારથી તેમનું સ્લેજિંગનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે, પરંતુ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં લૉર્ડ્સ (LORD’S)ની ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતની થોડી ક્ષણો પહેલાં ઇંગ્લૅન્ડ (England)ના ઓપનર્સ ઝૅક ક્રૉવ્લી અને બેન ડકેટે જે હરકત કરી એ ભારતીય કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) મંગળવારે ખુલ્લી પાડી દીધી હતી. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ ભારત સહિતની હરીફ ટીમોમાં ક્રિકેટ પ્રત્યેની ભાવનાનો અભાવ હોવાની વારંવાર ટિપ્પણી કરતા રહેતા હોય છે, પરંતુ ગિલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ` બ્રિટિશ ઓપનરો એ દિવસે 90 સેકન્ડ મોડા આવ્યા ત્યારે તેમની ક્રિકેટ પ્રત્યેની ભાવના ક્યાં ગઈ હતી?’
ત્રીજી ટેસ્ટમાં હરીફ ખેલાડીઓ વચ્ચે થયેલી ગરમાગરમી વિશે પત્રકાર પરિષદમાં છેલ્લી ઘડીએ પૂછવામાં આવતાં શુભમન ગિલે કહ્યું, ` હા, ઘણા લોકો ત્રીજા દિવસની રમતની છેલ્લી ક્ષણો વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે મારે એ વિશે બધી સ્પષ્ટતા કરી જ દેવી છે. એ દિવસે (ત્રીજા દિવસે) બ્રિટિશરોની બૅટિંગ આવી ત્યારે સાત મિનિટનો સમય બાકી હતો. જોકે તેઓ ક્રીઝ પર 90 સેકન્ડ મોડા આવ્યા હતા. 10 કે 20 નહીં, પણ 90 સેકન્ડ મોડા આવ્યા હતા. ઘણી ટીમો આ રીતે રમતની શરૂઆતને વિલંબિત કરવાની હરકત કરતી હોય છે. અમે તેમની જગ્યાએ હોત તો અમે પણ ઓછી ઓવર રમવા મળે એવી આશા રાખી હોત, પરંતુ દરેક વાતની રીત હોય (આડોડાઈ તો ન જ કરાય). ખેલાડીને બૉલ વાગે ત્યારે સારવાર માટે ફિઝિયોને બોલાવવામાં આવે એ ઠીક કહેવાય, પણ 90 સેકન્ડ ક્રીઝમાં મોડા પધારવું એ વળી કઈ ક્રિકેટની ભાવના કહેવાય?’
ત્રીજા દિવસે બ્રિટિશરો બીજો દાવ મળ્યા બાદ ફક્ત એક ઓવર રમ્યા હતા જેમાં બોલર બુમરાહે રમતમાં જાણી જોઈને અડચણો ઊભી કરવાની ઓપનર ક્રૉવ્લીની હરકત ઓળખી લીધી હતી અને મજાકમાં તાળી પાડી હતી. રમતને અંતે બેન ડકેટ અને ભારતીય ખેલાડીઓ વચ્ચે થોડા શબ્દોની આપ-લે થઈ હતી.મંગળવારે ગિલની પત્રકાર પરિષદની થોડી મિનિટો પૂર્વે બ્રિટિશ સુકાની બેન સ્ટૉક્સે પત્રકારોને કહ્યું હતું કે ` ભારતીય ટીમ તરફથી જો શાબ્દિક હુમલા કરાશે તો અમે પણ કંઈ બાકી નહીં રાખીએ.’
આ પણ વાંચો…શુભમન ગિલને સેન્ચુરીથી વંચિત રાખવા બ્રિટિશ બોલરની નાપાક હરકત