શ્રેયસ ઐયર, સરફરાઝ અને મોહમ્મદ શમી કેમ ટેસ્ટ ટીમમાં નથી? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

શ્રેયસ ઐયર, સરફરાઝ અને મોહમ્મદ શમી કેમ ટેસ્ટ ટીમમાં નથી?

નવી દિલ્હીઃ આગામી બીજી ઑક્ટોબરથી અમદાવાદમાં અને 10મી ઑક્ટોબરથી દિલ્હીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી ટેસ્ટ-મૅચની સિરીઝ (TEST SERIES) માટે ગુરુવારે અજિત આગરકર અને તેમની સિલેક્શન કમિટી દ્વારા જે ટીમ (TEAM) જાહેર કરવામાં આવી એમાં શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન અને મોહમ્મદ શમીની ગેરહાજરી પર ભારતીય ક્રિકેટમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બન્ને ખેલાડીનો સમાવેશ કેમ નથી કરવામાં આવ્યો એ માટે ભિન્ન કારણ છે.

શ્રેયસે (SHREYAS) પોતે જ રેડ-બૉલ ક્રિકેટમાંથી છ મહિનાનો બે્રક લીધો છે. શ્રેયસને પીઠનો દુખાવો સતાવે છે અને તેણે બીસીસીઆઇને વિનંતી કરી હતી કે તે છ મહિના માટે લાંબા ફૉર્મેટમાંથી બ્રેક લેવા માગે છે. ક્રિકેટ બોર્ડે તેની વિનંતી સ્વીકારી લીધી છે. લખનઊમાં ઑસ્ટ્રેલિયા એ' સામેની ચાર દિવસીય મૅચવાળી સિરીઝની ટીમમાં શ્રેયસનો કૅપ્ટન તરીકે સમાવેશ હતો, પરંતુ તેણે બ્રેક લીધો હોવાથી તેના સ્થાને ધ્રુવ જુરેલ સુકાન સંભાળી રહ્યો છે અને આ મૅચમાં ગુરુવારે ઇન્ડિયા એ’ને 412 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ આ યજમાન ટીમે બે વિકેટે 169 રન કર્યા છે અને શુક્રવારે બીજા 243 રન કરીને ભારતીય ટીમને જીતવાનો મોકો છે.

આ પણ વાંચો : ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!

શ્રેયસ આઇપીએલમાં 2025ની સીઝનમાં રનર-અપ બનેલી પંજાબ કિંગ્સ ટીમનો કૅપ્ટન છે. તેણે થોડા સમય પહેલાં પીઠમાં સર્જરી કરાવી હતી અને ત્યાર બાદ તેને પીઠમાં થોડો દુખાવો રહે છે. બૅટ્સમૅન સરફરાઝ ખાન ઈજા બાદ હજી એમાંથી પૂરેપૂરો મુક્ત નથી થયો એટલે તેને ટેસ્ટ ટીમમાં નથી સમાવાયો.

પડિક્કલ ફાવી ગયો

વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાથી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટીમમાં સામેલ નથી કરાયો. બૅટ્સમૅન કરુણ નાયરને પણ હવે ટેસ્ટ ટીમમાંથી જાકારો મળ્યો છે. જોકે દેવદત્ત પડિક્કલ ફાવી ગયો છે. તેને ટેસ્ટ ટીમમાં કમબૅક કરવા મળ્યું છે. પચીસ વર્ષનો પડિક્કલ ભારત વતી બે ટી-20 ઉપરાંત બે ટેસ્ટ રમી ચૂકયો છે.

આ પણ વાંચો : ભારતની ટેસ્ટ ટીમમાંથી આ બોલર લગભગ બહાર, નવા બોલરનો સમાવેશ

ચીફ સિલેક્ટરે પત્રકારોને શું કહ્યું?

ચીફ સિલેક્ટર અજિત આગરકર હંમેશાં આગ્રહ રાખતા હોય છે કે ભારતીય ખેલાડીઓ સમયાંતરે પોતાના ફૉર્મ અને ફિટનેસ પુરવાર કરે અને એટલે જ તેમણે નવી ટેસ્ટ ટીમમાં મોહમ્મદ શમી તથા ઇશાન કિશનને નથી સમાવ્યા. ટેસ્ટ ટીમના બે વિકેટકીપરમાં ધ્રુવ જુરેલ અને એન. જગદીશનનો સમાવેશ છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એક સમયે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ પછીનો બીજો મુખ્ય ફાસ્ટ બોલર હતો, પરંતુ ઘણા મહિનાઓથી તે અનફિટ હોવાને કારણે ટીમમાં નથી સમાવવામાં આવતો. હવે મોહમ્મદ સિરાજ ભારતનો નંબર-ટૂ ફાસ્ટ બોલર છે. શમી ભારત વતી છેલ્લે આ વર્ષની શરૂઆતમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો. આગરકરે શમી વિશે ગુરુવારે કહ્યું, ` શમી છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખાસ કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો જ નથી. એક મૅચ બંગાળ વતી અને એક મૅચ દુલીપ ટ્રોફીમાં રમ્યો છે. તેણે ફિટનેસ અને ફૉર્મ પુરવાર કરવા હજી ઘણું રમવું પડશે. ઇશાન કિશન પણ સારો ખેલાડી છે, પરંતુ તેણે પણ ડોમેસ્ટિકમાં ઘણું રમવું પડશે.’

આ પણ વાંચો : IND vs WI: વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ જાહેર, ‘બાપુ’ બન્યા વાઈસ કેપ્ટન

જાડેજા પહેલી વાર વાઇસ-કૅપ્ટન

ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને અગાઉ વન-ડે અને ટી-20માં વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટેસ્ટમાં તેને પહેલી વાર આ જવાબદારી સોંપવામાં આવી છે. તે ગિલના ડેપ્યૂટી તરીકે જોવા મળશે. ગિલ વન-ડેનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન છે, જ્યારે કૅરિબિયનો સામેની ટેસ્ટ ટીમમાં સામેલ જસપ્રીત બુમરાહ ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન બોલર છે.

ભારતીય ટેસ્ટ ટીમઃ

શુભમન ગિલ (કૅપ્ટન), રવીન્દ્ર જાડેજા (વાઇસ કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), એન. જગદીશન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button