શ્રેયસ-સિદ્ધેશની જોડીએ રોહિત-સુશાંતની ભાગીદારીનો વિક્રમ તોડ્યો
ઐયરે ફટકારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રીજી ડબલ સેન્ચુરી
મુંબઈ: અહીં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ના મેદાન પર ઓડિશા સામે રમાતી ચાર દિવસીય રણજી ટ્રોફી મૅચમાં મુંબઈએ આજે બીજા દિવસે 500 રનનો આંકડો પાર કર્યો હતો. ડબલ સેન્ચુરિયન શ્રેયસ ઐયર અને સેન્ચુરિયન સિદ્ધેશ લાડ આ યાદગાર ઇનિંગ્સના બે સુપરસ્ટાર છે.
Also read: ભારતના બે સ્ટાર ખેલાડીએ આઇપીએલના ઑક્શન માટે મૂળ કિંમત કેમ આટલી નીચી રાખી?
શ્રેયસ અને સિદ્ધેશ વચ્ચે ચોથી વિકેટ માટે 440 બૉલમાં 354 રનની ભાગીદારી થતાં તેમણે રણજી ટ્રોફીના ઇતિહાસમાં મુંબઈ વતી નવો વિક્રમ રચ્યો છે. 2009ની સાલમાં રોહિત શર્મા અને સુશાંત મરાઠે વચ્ચે બ્રેબર્ન સ્ટેડિયમમાં ચોથી વિકેટ માટે 342 રનની ભાગીદારી થઈ હતી. 15 વર્ષ જૂનો એ મુંબઈનો રેકોર્ડ શ્રેયસ-સિદ્ધેશની જોડીએ તોડી નાખ્યો છે.
354માંથી 233 રન શ્રેયસના અને 110 રન સિદ્ધેશના હતા. આ ભાગીદારીમાં 11 રન એક્સ્ટ્રા હતા. શ્રેયસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સાત વર્ષે ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારી છે. 228 બૉલમાં બનાવેલા 233 રનની ઇનિંગ્સ દરમ્યાન શ્રેયસ આજે સવારે 187 રન પર હતો ત્યારે તેણે સિકસર ફટકારી હતી અને 197 રન પર હતો ત્યારે ચોક્કો મારીને ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 201 બૉલમાં 201 રન બનાવ્યા હતા. તેણે પહેલી બે ડબલ સેન્ચુરી પણ મુંબઈમાં જ ફટકારી હતી. 2015માં તેણે પંજાબ સામે વાનખેડેમાં અને 2017માં બ્રેબર્નમાં ઓસ્ટ્રેલિયા ’એ’ સામે ડબલ સેન્ચુરી નોંધાવી હતી.\
Also read: IPL Auction 2024: 1,574 ખેલાડીઓની યાદીમાં બે ખેલાડીઓ છે સૌથી મોટા આકર્ષણ
લંચ-બ્રેક વખતે મુંબઈનો સ્કોર ચાર વિકેટે 556 રન હતો. સિદ્ધેશ લાડે 331 બોલમાં અણનમ 165 રન બનાવ્યા હતા. સૂર્યાંશ શેડગેએ 19 બૉલમાં 37 રન બનાવ્યા હતા.