શ્રેયસની બાદબાકીઃ પર્ફોર્મન્સ સારો, પણ કોઈ લૉબીનો શિકાર? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

શ્રેયસની બાદબાકીઃ પર્ફોર્મન્સ સારો, પણ કોઈ લૉબીનો શિકાર?

રાજકારણ જીત્યું, ઐયર હાર્યોઃ આઇપીએલનો રનર-અપ કૅપ્ટન રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં પણ સામેલ નહીં

(અજય મોતીવાલા)

મુંબઈઃ વર્તમાન ભારતીય ક્રિકેટના સૌથી ભરોસાપાત્ર બૅટ્સમેનોમાં ગણાતા શ્રેયસ ઐયર (Shreyas Iyer)નો સમાવેશ ટી-20ના એશિયા કપ (Asia Cup) માટે જાહેર કરવામાં આવેલી ટીમ (Team)માં ન કરવામાં આવ્યો એ મુદ્દો સોશ્યલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં છે.

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં સૌથી વધુ 754 રન કરવા બદલ શુભમન ગિલને ટી-20 ટીમમાં ફરી સામેલ કરીને વાઇસ-કૅપ્ટન પણ બનાવી દેવામાં આવ્યો, રિન્કુ સિંહ પર સિલેક્ટરોએ સાધારણ પર્ફોર્મન્સ છતાં કળશ ઢોળ્યો, વિકેટકીપર જિતેશ શર્મા બૅટિંગમાં ખાસ કંઈ ક્લિક નથી થયો છતાં તેને પણ 15 ખેલાડીઓની ટીમમાં સમાવવામાં આવ્યો છે, પણ વિજય માટે ટીમને બૅટિંગમાં મજબૂત પાયો નાખી આપવાની ક્ષમતા ધરાવતા શ્રેયસને સામેલ ન કરીને તેને અન્યાય કરવામાં આવ્યો હોવાની ચર્ચા ભારતીય ક્રિકેટમાં થઈ રહી છે.

આપણ વાંચો: મનોમન હું ક્યારની શ્રેયસ ઐયરને પરણી ગઈ છું… આવું ચોંકાવનારું નિવેદન આપ્યું આ અભિનેત્રીએ

શ્રેયસ ઐયર ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્માવાળી મુંબઈની લૉબીનો છે એવું માનીને શ્રેયસને અવગણવામાં આવી રહ્યો છે કે શું? શ્રેયસ એવો મિડલ-ઑર્ડર બૅટ્સમૅન છે જે વિશ્વના કોઈ પણ ક્રિકેટ-રાષ્ટ્રની કોઈ પણ ફૉર્મેટની ટીમમાં ફિટ બેસે અને તેણે 2025ની આઇપીએલમાં કુલ 604 રન કરીને પંજાબ કિંગ્સને રનર-અપનું ટાઇટલ અપાવ્યું એમ છતાં તેને આ રીતે વારંવાર અવગણવામાં આવી રહ્યો છે એનું કારણ શું છે એ જ નથી સમજાતું.

એશિયા કપ જેવી મોટી સ્પર્ધા હોય અને એમાં પાકિસ્તાન જેવા કટ્ટર દુશ્મનની ટીમ સામે એકથી ત્રણ જેટલા હાઇ-વૉલ્ટેજ મુકાબલા થવાના હોય એમાં અનુભવી બૅટ્સમૅનની ખાસ જરૂર પડે, પણ શ્રેયસને અવગણીને સિલેક્ટરો શું પુરવાર કરવા માગે છે એ પણ શ્રેયસના ચાહકોની સમજની બહાર છે.

આ વર્ષની આઇપીએલમાં સૂર્યકુમાર યાદવ (717)ના અને શુભમન ગિલ (650)ના અઢળક રન હતા એ સારી વાત કહેવાય, પરંતુ શ્રેયસ ઐયર (604 રન) તેમનાથી કંઈ બહુ દૂર તો નહોતો જ. ક્રિકેટ જગતની સૌથી મોટી ટી-20 લીગમાં જે બૅટ્સમૅને અઢી મહિના પહેલાં છઠ્ઠા નંબરનો શ્રેષ્ઠ બૅટિંગ-પર્ફોર્મન્સ બતાવ્યો હોય તેને એશિયા કપ જેવી મોટી સ્પર્ધામાં ન રમવા મળે એ વિચિત્ર કહેવાય.

આપણ વાંચો: શ્રેયસ ઐયરે મને ગાળ આપી, જો તેણે થપ્પડ મારી હોત તો…: પંજાબના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

યશસ્વી જયસ્વાલે આઇપીએલમાં 559 રન કર્યા હતા અને રિયાન પરાગે એ જ ટૂર્નામેન્ટમાં 393 રન કર્યા હતા છતાં તેઓ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરાયા છે. એ તો ઠીક, પણ રિન્કુ સિંહે આઇપીએલમાં માત્ર 206 રન કર્યા હતા એમ છતાં તેને વધારાના સ્પેશ્યલ બૅટ્સમૅન તરીકે મુખ્ય ટીમમાં સામેલ કરાયો છે, પરંતુ શ્રેયસને તો દૂર જ રખાયો છે. આવું કેમ?

શુભમન ગિલે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ 754 રન કર્યા હતા એ પણ સારું કહેવાય, પરંતુ એમ તો રવીન્દ્ર જાડેજા તેમ જ વૉશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ અને કે. એલ. રાહુલ પણ બ્રિટિશરો સામે સારું રમ્યા હતા.

આપણ વાંચો: શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ ફટકાર્યો દંડ, જાણો કારણ?

30 વર્ષના જે બૅટ્સમૅને (શ્રેયસ ઐયરે) આઇપીએલના ઇતિહાસમાં કુલ 3,731 રન અને ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 1,104 રન કર્યા હોય અને જેણે દોઢ વર્ષ પહેલાં બેંગલૂરુમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20માં (ભારતીય ટીમમાં) સૌથી વધુ 53 રન કરીને ટીમને વિજય અપાવ્યો હોય તે બૅટ્સમૅન સિલેક્ટરોને કેમ એશિયા કપ જેવી મોટી સ્પર્ધા માટે ટીમમાં સમાવવા યોગ્ય ન લાગ્યો એ વાત પણ ચર્ચાનો વિષય છે.

થોડા વર્ષ પહેલાં એક ગેરવર્તનને કારણે ઇશાન કિશનની સાથે શ્રેયસનો પણ કૉન્ટ્રૅક્ટ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જોકે એ કિસ્સો તો હવે ભૂતકાળ થઈ ગયો છે. ત્યાર પછી તો ઘણું બની ગયું. શ્રેયસને ટીમ ઇન્ડિયામાં ન આવવા દેવા કોઈક લૉબી તો કામ કરી જ રહી છે એવું લાગે છે. એટલે જ તેનું નામ રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં પણ નથી.

ભારતીય ક્રિકેટમાં દાયકાઓથી કોઈને કોઈ તબક્કે રાજકારણ રમાયું છે અને ટૅલન્ટેડ તથા ભરોસાપાત્ર ખેલાડીઓને અવગણવામાં આવ્યા છે જેને લીધે તેમની કરીઅરને માઠી અસર થઈ છે, જ્યારે શિવમ દુબે જેવા ખેલાડીઓને નબળા તથા સાધારણ પર્ફોર્મન્સ છતાં શાનથી રમવા મળ્યું છે. બીજી બાજુ, ટીમને મજબૂત પર્ફોર્મન્સથી જિતાડી આપવાની તાકાત ધરાવતા શ્રેયસ ઐયર જેવાની બાદબાકી કોઈ પણ તર્કબદ્ધ કારણ વિના થતી રહી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button