કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં મંગળવારનો દિવસ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) માટે હતો જ નહીં. એના ઓપનર સુનીલ નારાયણે રાજસ્થાન રૉયલ્સ (આરઆર) સામે 56 બૉલમાં છ સિક્સર અને તેર ફોરની ફટકાબાજીથી કેકેઆર વતી આ વખતની આઇપીએલમાં પહેલી સેન્ચુરી નોંધાવી અને આ ટીમે 223/6નો ઊંચો સ્કોર નોંધાવ્યો એ પછી છેલ્લી ઓવરમાં કેકેઆરને જીતવાનો સારો મોકો મળ્યો હતો, પણ આરઆરના જૉસ બટલરે 60 બૉલમાં છ છગ્ગા અને નવ ચોક્કાની મદદથી અણનમ 107 રન બનાવ્યા અને આરઆરને છેલ્લા બૉલ પર વિજય અપાવી દીધો.
શ્રેયસ ઐયર ઍન્ડ કંપનીની બધી મહેનત તો પાણીમાં ગઈ, ઊલટાનું શ્રેયસને 12 લાખ રૂપિયાનો દંડ પણ થયો.
કેકેઆરની ટીમ બરાબર 20 ઓવર રમ્યા પછી આરઆરની ટીમ પણ પૂરી 20 ઓવર રમી હતી. બન્યું એવું કે શ્રેયસ પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં તેમ જ બોનસ તરીકે મળેલા સમયમાં પણ 20 ઓવર પૂરી ન કરાવી શક્યો એ બદલ (સ્લો ઓવર-રેટના ક્રિકેટિંગ ગુના બદલ) બીસીસીઆઇએ શ્રેયસને (ટીમના કૅપ્ટન હોવા બદલ) 12 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.
કેકેઆર ટીમની આ પહેલી જ કસૂર હતી એટલે આઇપીએલની આચારસંહિતા મુજબ કેકેઆરના સુકાનીને 12 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો.
આઇપીએલમાં લાગુ કરાયેલા નિયમ મુજબ છેલ્લી ઓવરમાં કેકેઆરને સર્કલની બહારની આઉટફીલ્ડમાં (ડીપના સ્થાને) એક ઓછો ફીલ્ડર ઊભો રાખવા કહેવાયું હતું. એ જ કારણસર કેકેઆરે એ છેલ્લી ઓવરમાં અને આખરી બૉલ પર પરાજય જોવો પડ્યો હતો.
આરઆરના બૅટર્સે 20મી ઓવરમાં જીતવા નવ રન બનાવવાના હતા. સ્પિનર વરુણ ચક્રવર્તીને બૉલ અપાયો હતો. જૉસ બટલર સ્ટ્રાઇક પર હતો. તેણે વરુણના પહેલા જ બૉલમાં છગ્ગો માર્યો હતો. સતત ત્રણ ડૉટ-બૉલ ગયા બાદ પાંચમા બૉલમાં ખૂબ જ થાકી ગયેલા બટલરે બૉલને વાઇટ લૉન્ગ-ઑફ પર મોકલી દીધા બાદ બે રન દોડી લીધા અને સ્કોર સમાન (223-223) થયો હતો. મૅચની આખરી ડિલિવરીમાં બટલરે લેગ સાઇડ પર બૉલને લેગ સાઇડ પર મોકલીને એક રન દોડી લીધો અને આઇપીએલના ઇતિહાસનો (224 રનનો) બિગેસ્ટ રન-ચેઝ નોંધાયો હતો.
આરઆરની ટીમે આઠ વિકેટે 224 રન બનાવીને બે વિકેટે દિલધડક વિજય મેળવ્યો હતો.
Taboola Feed