શ્રેયસ ઐયર નારાજ નથી, પણ તેના પિતાએ કહ્યું કે…

મુંબઈઃ ભારતના હાલના ભરોસાપાત્ર બૅટ્સમેનોમાં ગણાતા શ્રેયસ ઐયરને નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia cup) માટેની ટીમમાં ન સમાવીને સિલેક્ટરોએ ક્રિકેટ જગતમાં બધાને ચોંકાવી દીધા અને ચોંકી જનારાઓમાં શ્રેયસના પિતા સંતોષ ઐયર પણ બાકાત નથી જેમણે નારાજગી બતાવતા કહ્યું છે કે ` ભારતની ટી-20 ટીમમાં સ્થાન પાછું મેળવવા શ્રેયસે શું કરવું એ જ નથી સમજાતું. દરેક વર્ષે તે આઇપીએલમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છે એમ છતાં તેને ટી-20 ટીમમાં જગ્યા નથી અપાતી.’
મુંબઈમાં રહેતા 30 વર્ષીય શ્રેયસને ડિસેમ્બર, 2023 પછી ભારત વતી ટી-20માં નથી રમવા મળ્યું. ત્યાર પછી તેણે 2024ની આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વતી 351 રન કરવા ઉપરાંત બેમિસાલ કૅપ્ટન્સીથી કેકેઆરને ટાઇટલ અપાવ્યું હતું. જોકે એમ છતાં તેને 2024-’25માં ભારત વતી (ટી-20ના વર્લ્ડ કપ સહિત) ટી-20માં નહોતું રમવા મળ્યું. 2025ની આઇપીએલમાં તે પંજાબ કિંગ્સમાં જોડાયો હતો અને કૅપ્ટન તરીકે ફરી એક વખત 604 રન કરવા ઉપરાંત પંજાબની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. આ સુપર પર્ફોર્મન્સ છતાં શ્રેયસને આગામી એશિયા કપ માટેની ટીમમાં જગ્યા ન મળી અને રિન્કુ સિંહ મેદાન મારી ગયો. રિન્કુને 15 પ્લેયરવાળી મુખ્ય ટીમમાં સમાવવામાં આવ્યો, જ્યારે બીજા બૅટ્સમૅન રિયાન પરાગને પાંચ પ્લેયરના રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો, પરંતુ આ કુલ 20 ખેલાડીમાં શ્રેયસને ન સમાવવામાં આવ્યો.
આ પણ વાંચો: શ્રેયસ ઐયરે મને ગાળ આપી, જો તેણે થપ્પડ મારી હોત તો…: પંજાબના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
શ્રેયસ (Shreyas Iyer)ના પિતા સંતોષ ઐયરે પત્રકારો સાથેની વાતચીતમાં સિલેક્ટરો વિશે ટકોર કરતા એવું પણ કહ્યું છે કે ` ભલે મારા દીકરાને કૅપ્ટન ન બનાવો, પણ ટીમમાં સિલેક્ટ તો કરો. ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળવાને પગલે શ્રેયસ ક્યારેય નારાજગી નથી બતાવતો. તે સહજતાથી કહી દેતો હોય છે કે…મેરા નસીબ હૈ. શ્રેયસ હંમેશાં મગજ શાંત રાખતો હોય છે. તે શાંત સ્વભાવનો છે.’
સંતોષ ઐયરે (Santosh Iyer) એવું પણ કહ્યું, ` શ્રેયસે કોઈને જવાબદાર નથી ગણાવ્યા, પણ તે થોડો નારાજ તો થયો જ છે.’
ચીફ સિલેક્ટર અજિત આગરકરે શ્રેયસની બાદબાકી વિશે સોમવારે મંગળવારે કહ્યું હતું કે ` શ્રેયસ ટીમમાં સામેલ ન થઈ શક્યો એમાં ન તો તેનો કોઈ વાંક છે અને ન અમારો કોઈ દોષ છે. અમે 15 ખેલાડી પસંદ કરવાના હતા અને કર્યા. અન્યોએ પોતાને ક્યારે તક મળશે એની થોડી રાહ જોવી રહી.’
ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો સિલેક્ટરોને અણિયાળો સવાલ છે કે ` શ્રેયસ તમને ભલે 15 ખેલાડીમાં લેવા જેવો ન લાગ્યો, પરંતુ પાંચ રિઝર્વ પ્લેયરોમાં તો તેને સમાવવો જોઈતો હતો!’