સ્પોર્ટસ

શ્રેયસ ગોપાલની હૅટ-ટ્રિકમાં પંડ્યા બંધુઓ પહેલા જ બૉલે આઉટ!

બરોડા મુશ્કેલીમાં પણ જીત્યું: સૌરાષ્ટ્રનો શાનદાર વિજય: મુંબઈને સૂર્યા, શિવમ, શાર્દુલે જિતાડ્યું

ઇન્દોરઃ મંગળવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં બરોડા સામે કર્ણાટકે સ્પર્ધામાં ટકી રહેવા જીતવાનું જ હતું, પરંતુ એમાં કર્ણાટકની ટીમને નિષ્ફળતા મળી હતી. લેગ-સ્પિનર શ્રેયસ ગોપાલની હૅટ-ટ્રિક પણ કર્ણાટકને વિજય નહોતી અપાવી શકી.

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા કર્ણાટકના લેગ-સ્પિનર શ્રેયસ ગોપાલે (4-0-19-4) હૅટ-ટ્રિક લીધી હતી જેમાં તેણે ઓપનર શાશ્વત રાવત (63) તેમ જ હાર્દિક પંડ્યા (0) અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા (0)ને આઉટ કર્યા હતા. પંડ્યા બંધુઓ પોતાના પહેલા જ બૉલે વિકેટ ગુમાવી બેઠા હતા. કર્ણાટક (169/8) સામે બરોડા (18.5 ઓવરમાં 172/6)નો છેવટે વિજય થયો હતો.

આ જીતમાં શાશ્વત ઉપરાંત ભાનુ પણિયા (24 બૉલમાં 42 રન), શિવાલિક શર્મા (21 બૉલમાં 22 રન), વિષ્ણુ સોલંકી (21 બૉલમાં અણનમ 28 રન) તેમ જ અતિત શેઠ (એક બૉલમાં સિક્સર સહિત અણનમ છ રન)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

દરમ્યાન, ઇન્દોરની હાઈ સ્કોરિંગ મૅચમાં સૌરાષ્ટ્ર (235/5)નો તામિલનાડુ (177/9) સામે 58 રનથી વિજય થયો હતો.

સૌરાષ્ટ્રને 235/5નો તોતિંગ સ્કોર અપાવવામાં ઓપનર હાર્વિક દેસાઈ (34 બૉલમાં ચાર સિક્સર, પાંચ ફોર સહિત પંચાવન રન) તેમ જ રુચિત આહિર (30 બૉલમાં ચાર સિક્સર, ત્રણ ફોર સહિત 56 રન), સમ્માર ગજ્જર (27 બૉલમાં પાંચ સિક્સર, ત્રણ ફોર સહિત અણનમ પંચાવન રન) તેમ જ પ્રેરક માંકડ (26 બૉલમાં નવ ફોર સહિત 43 રન)ના મુખ્ય યોગદાન હતા. ચિરાગ જાની (38/3), અંકુર પન્વાર (36/2) અને ધર્મેન્દ્ર સિંહ જાડેજા (29/2)ના બોલિંગ પર્ફોર્મન્સને લીધે તામિલનાડુની ટીમનો સ્કોર 177/9 સુધી સીમિત રહ્યો હતો અને સૌરાષ્ટ્ર જીતી ગયું હતું.

Also Read – સચિન તેંડુલકર વિનોદ કાંબલીને મળ્યો, કાંબલીએ હાથ પકડી લીધો, જુઓ ભાવુક વિડીયો

હૈદરાબાદમાં મુંબઈ (192/4)એ સર્વિસીઝ (153/10) સામે 39 રનથી વિજય મેળવ્યો હતો. પૃથ્વી શૉ ઝીરોમાં આઉટ થયો હતો, જયારે સૂર્યકુમાર યાદવે ચાર સિક્સર, સાત ફોર સાથે 46 બૉલમાં 70 રન તથા શિવમ દુબેએ સાત સિક્સર, બે ફોર સાથે 37 બૉલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. મુંબઈએ આપેલા 193 રનના ટાર્ગેટ સામે સર્વિસીઝની ટીમ માંડ 153 રન બનાવી શકી હતી અને 20મી ઓવરમાં ઑલઆઉટ થઈ હતી. મુંબઈ વતી શાર્દુલ ઠાકુરે ચાર અને શમ્સ મુલાનીએ ત્રણ વિકેટ લીધી હતી. એક-એક વિકેટ શિવમ દુબે અને મોહિત અવસ્થિએ મેળવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button