ભારતની 20 વર્ષની શ્રદ્ધા કિકબૉક્સિંગના વર્લ્ડ કપમાં જીતી ગોલ્ડ મેડલ…
નવી દિલ્હી: ફરિદાબાદમાં રહેતી 20 વર્ષની શ્રધ્ધા રાંગડે કિકબૉક્સિંગની રમતમાં આયોજિત વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
આ સ્પર્ધા ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી જેમાં શ્રધ્ધાએ દમદાર પ્રદર્શનથી સિનિયર વિમેન મ્યૂઝિકલ ફૉર્મ હાર્ડ સ્ટાઇલ કૅટેગરીમાં સુવર્ણ ચંદ્રક પોતાને નામ કર્યો હતો.
શ્રધ્ધા કિકબોક્સિંગની રમત પ્રત્યેની સમર્પણ ભાવના અને પ્રતિભા માટે જાણીતી છે. નાનપણમાં તેણે અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. પહાડી વિસ્તારોમાં રહેતા પરિવારમાં જન્મેલી અને ઉછરેલી શ્રદ્ધાએ જોશ અને સાહસથી ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે જેમાં જી-1 તાએકવૉન્ડો મેડલ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશનના સુવર્ણ ચંદ્રકનો સમાવેશ છે.
ભારત વતી વિશ્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ગૌરવ અનુભવતી શ્રદ્ધાની રાબેતા મુજબની તાલીમ અને પ્રેક્ટિસ ખૂબ કઠિન હોય છે. તેનો આ નિત્યક્રમ સવારે 4:30 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે જેમાં તે ખાસ કરીને તાકાત, સહનશક્તિ અને ચપળતા પર સૌથી વધુ ફોકસ રાખે છે. બપોરે તે નવી તરકીબ શીખવા પર ધ્યાન આપે છે. આ તરકીબોમાં ઇલ્યૂઝન, ટ્વિસ્ટ, ટચડાઉન રેજ, ચીટ ગેનર અને કોર્કસ્ક્રુનો સમાવેશ છે. તેણે 720-કિક મારવા પર અને શ્વાસ પર નિયંત્રણ કરવા પર ખાસ લક્ષ આપવું પડે છે.
શ્રદ્ધાના મમ્મી-પપ્પા ઇચ્છતા હતા કે તેમની પુત્રી અભ્યાસમાં અન્ય ટોપર્સની જેમ સ્કૂલ-કોલેજમાં પોતાનું પણ નામ બનાવે, પરંતુ શ્રદ્ધા ફાઇટર બનવા માગતી હતી અને હવે તેના પરિણામો (મેડલ્સ) જોઈને તેઓ શ્રદ્ધાને પૂરો સપોર્ટ કરે છે. શ્રધ્ધા પોતાની સફળતાઓ માટે ખાસ કરીને તાએકવૉન્ડો માસ્ટર સૈયદ ફિરોઝની આભારી છે.