
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાની જે આઘાતજનક ઘટના બની છે એ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે.
ગાંગુલીએ એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં આ ઘટના સંબંધમાં કહ્યું, ‘હું એક પુત્રીનો પિતા છું અને મહિલા ડૉક્ટર સાથે બનેલી ઘટનાથી મને ખૂબ જ આઘાત પહોંચ્યો છે.’
સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ ગાંગુલીએ જણાવ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળને અને સમગ્ર ભારતને સુરક્ષિત માનવામાં આવે છે અને માત્ર એક ઘટનાને આધારે સમગ્ર વ્યવસ્થા બાબતમાં કોઈ નિર્ણય ન દેવો જોઈએ. આ એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના છે. આવા અપરાધ માટે કોઈ માફી ન હોઈ શકે. અધિકારીઓએ તત્કાળ કડક પગલાં લેવા જોઈએ.’
ગાંગુલીએ એવું પણ જણાવ્યું કે ‘આવી ઘટના ક્યાંય પણ બની શકે છે, પરંતુ હૉસ્પિટલની અંદર આવી ઘટના બને એ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. મેડિકલ સંસ્થાનોમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા બનવી જોઈએ.’
પોલીસે મહિલાના આરોપીને પકડી લીધો છે. તે આ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની બહારનો હતો, પરંતુ ક્યારેક આવતો રહેતો હતો. તેણે મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારતાં પહેલાં પોર્ન ફિલ્મ જોઈ હતી અને દારૂ પણ પીધો હતો.