અરે આ શું! જાડેજાએ ક્લીન બોલ્ડ કર્યો છતાં શોએબ બશીરે રિવ્યૂ માગી!
ધરમશાલા: અહીં ભારતના જ્વલંત વિજય સાથે પૂરી થયેલી ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઘણી યાદગાર ક્ષણો જોવા મળી અને અમુક પળોએ તો બધાને હસાવી દીધા હતા. શનિવારે મૅચનો હજી ત્રીજો જ દિવસ હતો અને બ્રિટિશ ખેલાડીઓ સતત ચોથી ટેસ્ટ હારવાના એટલા બધા માનસિક દબાણમાં રમી રહ્યા હતા કે વાત ન પૂછો. ભારતના પ્રથમ દાવમાં પાંચ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો સ્પિનર મુખ્ય બૅટર જો રૂટને પોણા કલાક સુધી સાથ આપ્યા પછી પોતાના 13 રનના સ્કોર પર રમી રહ્યો હતો ત્યારે રવીન્દ્ર જાડેજાના બહુ સારા ટર્નમાં બૉલ બશીરના ઑફ સ્ટમ્પને વાગ્યો હતો અને બેલ ઊડી ગઈ હતી. એ નો બૉલ નહોતો.
હવે હાઇટ એ છે કે પોતે ક્લીન બોલ્ડ થયો હોવાની બશીરને ખબર જ ન પડી. બશીરને થયું કે બૉલ સીધો વિકેટકીપરના હાથમાં ગયો એટલે તેણે (બશીરે) થર્ડ અમ્પાયરની મદદ લેવા રિવ્યૂ માગી લીધી હતી. ભારતીયો વિકેટનું સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યાં બશીરને રિવ્યૂ માગતો જોઈને બધા હસવા લાગ્યા. બશીરે વિચાર્યા વગર કે જો રૂટ સાથે વાત કર્યા વિના આ ભૂલભરેલો નિર્ણય લઈ લીધો હતો. રૂટે તરત તેનું ધ્યાન દોરતા કહ્યું કે ભાઈ, તું ક્લીન બોલ્ડ થઈ ગયો છે.
જાડેજાના ટર્નમાં બોલ્ડ થઈ જતાં બશીર એટલો બધો મૂંઝાયેલો હતો કે સ્તબ્ધ હાલતમાં પાછો ગયો હતો. 46મી ઓવરમાં બશીરે વિકેટ ગુમાવી અને 49મી ઓવરના પહેલા બૉલમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી.