
કોલકાતા: ચેન્નઈ સુપર કિંગ્સના વિસ્ફોટક બૅટર અને પેસ બોલર શિવમ દુબેને જૂનના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સમાવવો જ જોઈએ એવું ઘણા ક્રિકેટ-નિષ્ણાતો કહી ચૂક્યા છે અને એમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીનો ઉમેરો થયો છે. જોકે તિવારીનું મંતવ્ય અન્યોની સરખામણીમાં આંચકાજનક છે. તિવારીનું કહેવું છે કે જો શિવમ દુબેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નહીં મળે તો એની જવાબદારી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની કહેવાશે. ચાલો જાણીએ, તિવારી આવું શા માટે કહે છે.
આ પણ વાંચો: લખનઊના ક્રિકેટરો કેમ આજે મરુન અને ગ્રીન કલરની જર્સી પહેરીને રમી રહ્યા છે?
મનોજ તિવારીએ તો હાર્દિક પંડ્યા આઇપીએલમાં પૂરતી બોલિંગ નથી કરી રહ્યો એના પર પણ સવાલ ઉઠાવ્યો છે. તિવારીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે હાર્દિકે જો જૂનના ટી-20 વર્લ્ડ કપમાં રમવું હોય તો તેણે બોલિંગમાં પણ પોતાની ક્ષમતા પુરવાર કરવી પડશે, ફરી ઑલરાઉન્ડર તરીકે પોતાને પ્રેઝન્ટ કરવો પડશે.
અહીં ખાસ જણાવવાનું કે હાર્દિકે છેલ્લી ત્રણ મૅચમાં એક જ ઓવર બોલિંગ કરી છે. તિવારી તેના વિશે એક જાણીતી કહે છે, ‘બધાએ જોયું હશે કે હાર્દિક હાલમાં બોલિંગમાં મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેનો ઇકોનોમી-રેટ લગભગ 11.00નો છે જે ઘણો ખરાબ કહેવાય.’
આ પણ વાંચો: IPL 2024: અર્જુન તેંડુલકર કરશે કમબેક?…મલિંગાની નકલ કરતો વીડિયો વાઈરલ
તિવારીએ હાર્દિક ઉપરાંત શિવમ દુબે વિશે કહ્યું છે કે ‘હાર્દિકનું અત્યારનું ફૉર્મ જોતાં તેને ટી-20 વર્લ્ડ કપમાં કદાચ સિલેક્ટ નહીં કરવામાં આવે. અજિત આગરકર (ચીફ સિલેક્ટર) એવી પર્સનાલિટી છે જે બહાદુરીભર્યા નિર્ણયો લઈ શકે છે. શિવમ દુબેને જો વર્લ્ડ કપ માટે સિલેક્ટ નહીં કરવામાં આવે તો એની જવાબદારી સીએસકે પર રહેશે, કારણકે તેઓ દુબે પાસે બોલિંગ નથી કરાવી રહ્યા. પાંચમાંથી એક પણ મૅચમાં તેને બોલિંગ નથી આપવામાં આવી. હું ઘણા દિવસથી કહું છું કે હાર્દિકની જગ્યાએ શિવમ દુબેને તૈયાર કરો.’
30 વર્ષનો શિવમ દુબે મુંબઈનો છે. તે લેફ્ટ-હૅન્ડ બૅટર અને રાઇટ-હૅન્ડ પેસ બોલર છે. ભારત વતી તે 21 ટી-20 રમ્યો છે જેમાં તેણે 276 રન બનાવ્યા છે અને આઠ વિકેટ લીધી છે.
આ પણ વાંચો: કોલકત્તા-લખનઊની મેચ માટે શાહરુખને જોઈને લોકોના ઉડ્યા હોશ……
શિવમ દુબેએ 2019માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ વતી રમીને આઇપીએલમાં કરીઅર શરૂ કરી હતી. બેન્ગલૂરુના ફ્રૅન્ચાઇઝીએ ત્યારે તેને પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે છેલ્લા બે વર્ષથી ચેન્નઈ વતી રમે છે અને 2022માં તેણે 289 રન અને 2023માં 418 રન બનાવ્યા હતા. ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ શિવમને 2022માં ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.