શિખર ધવનની આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી કોણ છે ? ક્યારે છે બંનેનાં મેરેજ ?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. આયેશા મુખર્જી સાથેના છૂટાછેડા બાદ ધવન હવે પોતાની લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, આ ભવ્ય લગ્ન સમારોહ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં દિલ્હી-NCR ખાતે યોજાશે.
શિખર ધવનની થનારી પત્ની સોફી શાઈન કોઈ ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી નથી, પરંતુ તે એક એજ્યુકેશનલ અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. આયર્લેન્ડની રહેવાસી સોફી હાલમાં અબુ ધાબીમાં સ્થિત નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. તેણે લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. વ્યવસાયિક ક્ષેત્રે સફળ હોવાની સાથે સોફી સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે અને તે શિખર ધવન ફાઉન્ડેશનની હેડ તરીકે જવાબદારી સંભાળી રહી છે.
શિખર અને સોફીની મુલાકાત થોડા વર્ષો પહેલા દુબઈમાં થઈ હતી. જે બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી અને તેઓ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હોવાનું મનાય છે. સોફી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ૩.૪૧ લાખથી વધુ ફોલોઅર્સ છે. શિખરે જ્યારે જાહેરમાં પોતાના સંબંધોની પુષ્ટિ કરી ત્યારે ચાહકોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. શિખર માટે આ બીજી ઈનિંગ ખૂબ જ ખાસ છે, કારણ કે તે અગાઉના કડવા અનુભવોને પાછળ છોડીને હવે સોફી સાથે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે.
લગ્નની વિગતોની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિનામાં ધવનના ઘરે શરણાઈઓ વાગશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં દિલ્હી-NCR માં એક ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં ક્રિકેટ જગતના દિગ્ગજો અને બોલિવૂડની હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.



