
નવી દિલ્હીઃ ભારતનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયો હતો. ગેરકાયદેસર સટ્ટા સાથે સંકળાયેલી ઍપ સંબંધિત કેસમાં તેને બોલાવવામાં આવ્યો હતો. આ ઍપ્લિકેશન કાળા નાણાને ધોળા બનાવવાની કથિત ગેરરીતિ સાથે સંકળાયેલી હોવાનું મનાય છે. ગયા મહિને આવા પ્રકારના કેસમાં ઇડીએ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પૂછપરછ કરી હતી અને હવે શિખરને ઇડીનું તેડું આવ્યું છે.
શિખર ગુરુવારે સવારે 11.00 વાગ્યે મધ્ય દિલ્હીમાં ઇડીની ઑફિસમાં આવ્યો હતો. આ તપાસ સંસ્થાએ તેના નિવેદનો પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ રેકૉર્ડ કર્યા હતા. આ કેસ ગેરકાયદે સટ્ટા સંબંધિત 1×Bet નામની ઍપ (App)ને લગતો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
39 વર્ષની ઉંમરના શિખર (Shikhar Dhawan)નો આ ગેરકાયદે બેટિંગ ઍપ સાથેનો સંબંધ મૉડલિંગને લગતા અમુક એન્ડોર્સમેન્ટ મારફત હોવાનું મનાય છે. શિખર પાસે ઇડી એ જાણવા માગે છે કે આ ઍપ સાથેનો તેનો સંબંધ ચોક્કસપણે કેવી રીતે છે.
એવી ઘણી ગેરકાયદે બેટિંગ ઍપ્લિકેશન્સ છે જેણે અસંખ્ય લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું મનાય છે. એ ઉપરાંત, આ ઍપ દ્વારા મોટી રકમના કરવેરા ભરવાનું ટાળવામાં આવ્યું હોવાનું પણ કહેવાય છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નવો કાયદો સંસદમાં પસાર કરાવીને રિયલ-મની ઑનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો…શ્રીસાન્તની પત્ની કેમ આટલી બધી ગુસ્સે થાય છે એ જ નથી સમજાતુંઃ લલિત મોદી