સ્પોર્ટસ

શેફાલી વર્માનો વર્લ્ડ રેકૉર્ડ, મિતાલી-સ્મૃતિ ન કરી શક્યા એ કામ 20 વર્ષની ઓપનરે પાંચમી જ ટેસ્ટમાં કરી દેખાડ્યુ !

ભારતીય ટીમે મહિલા ટેસ્ટ-ક્રિકેટનો 89 વર્ષ જૂનો એક મોટો વિશ્ર્વવિક્રમ પણ તોડી નાખ્યો

ચેન્નઈ: ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ સામસામે આવી ગઈ હોવાની હમણાં તો મોસમ ચાલી રહી છે. જુઓને, શનિવારે બાર્બેડોઝના બ્રિજટાઉનમાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમનો એઇડન માર્કરમ ઇલેવન સામે મુકાબલો થવાનો છે. એ મુકાબલાની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યાં ચેન્નઈમાં ચાલી રહેલો મહિલા ક્રિકેટરો વચ્ચેનો જંગ પણ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનો જ છે. ચેન્નઈમાં બન્ને દેશની વિમેન્સ ટીમ વચ્ચે ચાર દિવસની ટેસ્ટ-મૅચ ચાલી રહી છે જેમાં શુક્રવારના પ્રથમ દિવસે ભારતની બે ઓપનર શેફાલી વર્મા (Shafali Verma) અને સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ ગજબનું પર્ફોર્મ કર્યું હતું. એમાં પણ શેફાલીએ તો કમાલ જ કરી નાખી હતી. તે મહિલા ટેસ્ટ-જગતની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરિયન બની હતી.

પ્રથમ દિવસની રમતને અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 525 રન હતો. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય કોઈ ટેસ્ટમાં એક દિવસમાં આટલા રન નહોતા બન્યા. એ રીતે, ભારતીય ટીમે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 1935માં ઇંગ્લૅન્ડની ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં એક દિવસમાં બે વિકેટે 431 રન બનાવ્યા હતા જે વર્લ્ડ રેકૉર્ડ શુક્રવાર પહેલાં અસ્તિત્વમાં હતો જે હવે તૂટ્યો છે.

ચેન્નઈની મૅચમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર 42 રને અને વિકેટકીપર રિચા ઘોષ 43 રને રમી રહી હતી. ભારતીય ટીમે 525 રન 98 ઓવરમાં બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા વતી સ્પિનર ડેલ્મી ટકરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

મૂળ હરિયાણાના રોહતક શહેરની 20 વર્ષની રાઇટ-હૅન્ડ બૅટર શેફાલી વર્મા (205 રન, 197 બૉલ, આઠ સિક્સર, ત્રેવીસ ફોર) આ પહેલાં ટેસ્ટમાં ક્યારેય સેન્ચુરી પણ નહોતી નોંધાવી શકી, પણ શુક્રવારે તેણે સીધી ડબલ સેન્ચુરી ફટકારી દીધી હતી અને એ પણ ધમાકેદાર રેકૉર્ડ-બ્રેક. તેણે માત્ર 194 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા અને ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડનો વિશ્ર્વવિક્રમ તોડી નાખ્યો હતો. ઍનાબેલે આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે જ 248 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા.

આ પણ વાંચો : T20 World Cup: સમાચાર સારા નથી…ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલમાં પણ વરસાદ હેરાન-પરેશાન કરી મૂકશે!

મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટર્સમાં લેજન્ડ કહેવાય છે. તે તેમ જ હાલની ભારતીય ટીમની મુખ્ય બૅટર સ્મૃતિ મંધાના સહિતની ભારતીય ટેસ્ટ ખેલાડીઓ જે કામ છેલ્લા ઘણા વર્ષોમાં ન કરી શકી એ કામ શેફાલીએ કરીઅરની પાંચમી જ ટેસ્ટમાં કરી દેખાડ્યું છે.

શેફાલી ડબલ સેન્ચુરી ફટકારનાર મિતાલી પછીની બીજી ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટર પણ બની છે. મિતાલીએ બાવીસ વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના એક દાવમાં 407 બૉલમાં 214 રન બનાવ્યા હતા.

શુક્રવારે ચેન્નઈમાં શેફાલી અને 27 વર્ષીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (149 રન, 161 બૉલ, એક સિક્સર, સત્તાવીશ ફોર) વચ્ચે 292 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. આ 292 રનની ભાગીદારી બાવન ઓવરમાં થઈ હતી.

શેફાલીએ ઉપરાઉપરી બે સિક્સર અને પછી સિંગલની મદદથી ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. સાઉથ આફ્રિકાની સાત બોલર તેને આઉટ નહોતી કરી શકી અને ભારતની ઇનિંગ્સમાં 75મી ઓવરમાં 411 રનના સ્કોર પર શેફાલી રનઆઉટ થઈ જતાં તેની ઐતિહાસિક અને અદ્ભુત ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

અન્ય ભારતીય બૅટર્સમાં જેમાઇમા રૉડ્રિગ્સે 94 બૉલમાં આઠ ફોરની મદદથી પંચાવન રન બનાવ્યા હતા, જ્યારે હાફ સેન્ચુરી તરફ આગળ વધી રહેલી કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વિકેટકીપર રિચા ઘોષ વચ્ચે પણ મજબૂત ભાગીદારી થઈ હતી. તેમની વચ્ચે 75 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો