શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમના ટૉપ-ઑર્ડરની જોરદાર ફટકાબાજી, ત્રણ વિકેટે 172 રન બનાવ્યા…
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે અહીં બુધવારે એશિયન ચૅમ્પિયન શ્રીલંકા સામે બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 172 રન બનાવ્યા હતા. ટૉપ-ઑર્ડરે આ વખતે નિરાશ નહોતા કર્યા અને ટોચની ત્રણ બૅટરે મળીને ભારતનો સ્કોર 128 રન પર પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો : IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
શેફાલી વર્મા (43 રન, 40 બૉલ, ચાર ફોર) અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (50 રન, 38 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે એ જ સ્કોર પર મંધાના પછી શેફાલીએ પણ વિકેટ ગુમાવી દીધી હતી. મંધાના રનઆઉટ થઈ હતી, જ્યારે શેફાલી કૅચ આપી બેઠી હતી.
ત્યાર બાદ કૅપ્ટન હરમનપ્રીત કૌર (બાવન અણનમ, 27 બૉલ, એક સિક્સર, આઠ ફોર)એ જેમાઇમા રૉડ્રિગ્સ (16 રન, 10 બૉલ, બે ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 30 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટકીપર રિચા ઘોષ (6 અણનમ) સાથે ચોથી વિકેટ માટે 44 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
હરમનપ્રીતને પાકિસ્તાન સામેની મૅચમાં ગરદનમાં ઈજા થઈ હતી, પણ તે ઈજા ભૂલીને આ મૅચમાં રમવા આવી હતી.
શ્રીલંકાની સાત બોલર્સમાં માત્ર કૅપ્ટન ચમારી અથાપથ્થુને અને ઍમા કંચનાને એક-એક વિકેટ મળી હતી.