શીતલ દેવી બંને પગથી પૅરાલિમ્પિક્સની તીરંદાજીનો મેડલ જીતનારી વિશ્વની પ્રથમ ઍથ્લીટ બની

પૅરિસ: જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી નામની 17 વર્ષીય ઍથ્લીટે
પૅરાલિમ્પિક્સની તીરંદાજીમાં નવો ઇતિહાસ સર્જ્યો છે. બંને હાથ વગર પણ આ રમતોત્સવનો મેડલ જીતનાર તે વિશ્વની પ્રથમ તીરંદાજ બની છે. શીતલ દેવી અને રાકેશકુમારની જોડીએ પૅરિસ પૅરાલિમ્પિક્સની કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
સોમવારે રાત્રે તેમણે ઈટલીની જોડી (સારતી-મેટિયો)ને બ્રોન્ઝ મેડલ માટેની રસાકસી વચ્ચે 156-155ના તફાવતથી હરાવી દીધી હતી. પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં શીતલ દેવી વ્યક્તિગત મેડલ નથી જીતી શકી, પણ તેણે અનોખી સ્ટાઇલના પર્ફોર્મન્સથી અનેકનાં દિલ જીતી લીધાં છે. હવે તે મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતી હોવાથી વધુ લોકપ્રિય થઈ ગઈ છે.
શીતલને જન્મથી જ બન્ને હાથ નથી. જોકે તેણે પગથી તીર છોડવાની તાલીમ લીધી અને અવ્વલ દરજ્જાની તીરંદાજ બની ગઈ અને પૅરાલિમ્પિક્સ સુધી પહોંચી ગઈ. તેણે શારીરિક રીતે સંઘર્ષ કરવો પડ્યો હોવા છતાં આટલા મોટા રમતોત્સવમાં સ્થાન મેળવ્યું અને મેડલ જીતી એનાથી તેમ જ પગથી નિશાન બનાવવાની ટેક્નિકથી તેણે જે પર્ફોર્મ કર્યું એનાથી લોકો ખૂબ પ્રભાવિત થઈ ગયા છે. એની જેમ રાકેશકુમારે પણ વ્હીલ ચેર પર બેસીને પર્ફોર્મ કર્યું હતું. ભારતની આ એવી પ્રથમ જોડી છે જેણે પૅરાલિમ્પિક્સમાં કમ્પાઉન્ડ કેટેગરીમાં મેડલ જીતી લીધો છે.
2021ની ટોકયો પૅરાલિમ્પિક્સમાં ભારતનનો હરવિન્દર સિંહ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો શીતલ દેવીનો કિસ્સો સાવ અલગ છે. ખુરસી પર બેઠેલી શીતલ જમણા પગથી તીર ઊંચકે છે અને પછી એ જ પગથી બાણ ઊંચક્યા બાદ એમાં તીર ગોઠવીને ખભાની મદદથી બાણના તાર ખેંચીને તેમ જ જડબાની પણ મદદ લઈને તીર છોડે છે.
બે હાથ ન હોવા છતાં પગની મદદથી મોટી-મોટી સ્પર્ધાઓમાં નિશાના પર તીર છોડવાની શીતલ દેવીની સ્ટાઇલથી પૅરિસમાં સાથી સ્પર્ધકો તેમ જ પ્રેક્ષકો વાહ-વાહ પોકારી ઉઠ્યા છે. તેના દરેક શૉટ વખતે પ્રેક્ષકોએ તાળી પાડી હતી.
નિષ્ણાતોના મતે શીતલની તીર છોડવાની પદ્ધતિ અનેકને આકર્ષિત કરનારી છે જ, નાનપણથી જે રીતે તેણે સંઘર્ષ કરીને અસાધારણ સંકલ્પશક્તિથી ખેલકૂદના ક્ષેત્રે પ્રવીણતા મેળવી એ બાબત લોકોના જીવનમાં જરૂર પ્રેરણારૂપ બની શકે એવું પણ એક્સપર્ટ્સ માને છે.