બાંગ્લાદેશ સામેના રકાસ છતાં શાન મસૂદ જ કેપ્ટન
મુલતાન: પાકિસ્તાનના સિલેક્ટર્સે બાંગ્લાદેશ સામેના ૦-૨ના તાજેતરના પરાજય છતાં શાન મસૂદને ફરી એક વાર પાકિસ્તાન ટીમના સુકાનની જવાબદારી શાન મસૂદને જ સોંપી છે, આગામી સાતમી ઓક્ટોબરે મુલતાનમાં ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમાવાની છે અને એમાં પાકિસ્તાન ટીમનું નેતૃત્વ મસૂદ સંભાળશે.
તાજેતરમાં બાંગ્લાદેશ સામે મસૂદના સુકાનમાં પાકિસ્તાન ૦-૨થી હારી ગયું હતું, બાંગ્લાદેશે પહેલી જ વાર પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું અને ટેસ્ટ સીરિઝમાં પણ પાકિસ્તાનનો એની સામે પહેલી વાર પરાજય થયો હતો, આ બધું પાકિસ્તાનની જ ધરતી બન્યું એમ છતાં મસૂદમાં પસંદગીકારોએ વિશ્વાસ મૂક્યો છે.
મસૂદના સુકાનમાં પાકિસ્તાને છેલ્લી પાંચેય ટેસ્ટમાં પરાજય જોયો હોવા છતાં સિલેક્ટર્સે તેને વધુ એક તક આપી છે.
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચ માટેની ટીમમાં બેટિંગ ઓલરાઉન્ડર આમેર જમાલને ૧૫ ખેલાડીઓની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઈજામુક્તિ બાદ ટીમમાં કમબેક કરી રહ્યો છે.
જોકે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં છ વિકેટ લેનાર પેસ બોલર ખુર્રમ શહઝાદ શરીરના ડાબા ભાગના સ્નાયુઓને ઇજામાંથી હજી મુક્ત ન થયો હોવાથી ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં નહીં રમે.
પાકિસ્તાને બીજા સ્પિનર તરીકે અબ્રાર અહમદની સાથે લેફ્ટ આર્મ સ્પિનર નોમાન અલીને પાછો બોલાવ્યો છે.
પાકિસ્તાનની ટીમ:
શાન મસૂદ (કેપ્ટન), સાઉદ શકીલ (વાઇસ કેપ્ટન), આમેર જમાલ, અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, અબ્રાર અહમદ, મીર હમઝા, મોહમ્મ્દ હુરૈરા, મોહમ્મ્દ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, નોમાન અલી, સઈમ અયુબ, સલમાન આગા, સરફરાઝ અહમદ (વિકેટકીપર) અને શાહીન શાહ આફ્રિદી